07 November, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : આશિષ રાજે
ગઈ કાલે એક તરફ તળ મુંબઈમાં દાગીના બજારમાં ધનતેરસ નિમિત્તે શુકનનો દાગીનો ખરીદવા લાઇન લાગી હતી તો બીજી તરફ લોકો ચોપડાપૂજન માટેનાં ચોપડા ખરીદતા જોવા મળ્યા હતા. તસવીરો : આશિષ રાજે
સુપ્રીમ કોર્ટે શુક્રવારે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ની ક્રીમી લેયર મુદ્દે ૧૧ માર્ચે આપેલા પોતાના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ક્રીમી લેયરનો દરજ્જો માત્ર માતા-પિતાની આવકના આધારે નક્કી કરી શકાય નહીં. જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કેન્દ્ર સરકારની એ વિનંતી ફગાવી દીધી હતી જેમાં આ ચુકાદાના અમલ માટે બે વર્ષનો સમય માગવામાં આવ્યો હતો. જોકે કોર્ટે કહ્યું હતું કે અમલ ટાળવા પાછળ કોઈ જ વાજબી કારણ નથી. જોકે કોર્ટે ચુકાદાના અમલ માટે સરકારને વધુ ૮ સપ્તાહનો સમય આપ્યો હતો.
થાણે-વેસ્ટમાં જ્ઞાનસાધના કૉલેજની સામે રેલવે-ટ્રૅકને અડીને આવેલા કચરા ભરેલા નાળામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમોએ સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેતાં મોટી હોનારત ટળી હતી અને કોઈને ઈજા થઈ નહોતી. બપોરે આશરે ૨.૦૪ વાગ્યે આ ઘટના વિશે જાણ થતાં જ ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાને કારણે ટ્રેનોના ટાઇમટેબલને કોઈ અસર થઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડની દસમા અને બારમા ધોરણની બોર્ડની ૨૦૨૭ની ફાઇનલ એક્ઝામની તારીખો ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. દસમા અને બારમાની પરીક્ષાઓ ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થશે. દસમાની પરીક્ષાઓ ૯ માર્ચ સુધી ચાલશે, જ્યારે બારમાની પરીક્ષાઓ ૧ એપ્રિલ સુધી ચાલશે.દસમા ધોરણની પરીક્ષા માટે ૨૬.૫ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે બારમાની પરીક્ષા માટે ૧૯.૮ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દસમા ધોરણના કુલ ૮૩ સબ્જેક્ટ છે, જ્યારે બારમા ધોરણના ૧૨૧ સબ્જેક્ટ છે.