17 May, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) ૨૦૨૦ અને નૅશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફૉર સેકન્ડરી એજ્યુકેશન (NCF-SE) ૨૦૨૩ હેઠળ નવમા અને દસમા ધોરણ માટે ભાષાપ્રણાલીમાં મોટા ફેરફારો કર્યા છે. બોર્ડે જણાવ્યું હતું કે ૨૦૨૬ની પહેલી જુલાઈથી નવમા અને દસમા ધોરણમાં ૩ ભાષા (R1, R2, R3)નો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે, જેમાંથી ઓછામાં ઓછી બે ભારતીય મૂળની હોવી જોઈએ.
આ મુદ્દે CBSEએ જણાવ્યું હતું કે ૨૦૨૬-’૨૭ શૈક્ષણિક વર્ષ માટે નવમા અને દસમા માટે તાજેતરમાં પ્રકાશિત NCERT અભ્યાસક્રમની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્તમાન શૈક્ષણિક સત્ર એપ્રિલ ૨૦૨૬માં શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ આ નિયમના અમલીકરણ માટે ટ્રાન્ઝિશનલ અભિગમ અપનાવવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી વિદેશી ભાષાનો અભ્યાસ કરવા માગે છે તો એને ત્રીજી ભાષા તરીકે ત્યારે જ પસંદ કરી શકાય છે જો અન્ય બે ભાષાઓ ભારતીય હોય. અન્યથા વિદેશી ભાષાનો અભ્યાસ વધારાની ચોથી ભાષા તરીકે કરવો પડશે. આ વ્યવસ્થા ૨૦૨૬-’૨૭ સત્રથી લાગુ કરવામાં આવશે. નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હાલમાં R3નાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી તેથી ૨૦૨૬-’૨૭ આવૃત્તિનાં છઠ્ઠા ધોરણનાં R3 પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવશે. બોર્ડે એ પણ માહિતી આપી હતી કે ૨૦૨૬ની પહેલી જુલાઈ પહેલાં સ્કૂલોને ૧૯ અનુસૂચિત ભાષાઓમાં છઠ્ઠા ધોરણનાં R3નાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.