કોસ્ટલ રોડ પરના CCTV કૅમેરા નકામા નીવડી રહ્યા છે સ્પીડ-બહાદુરો સામે

22 September, 2026 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવસે ૧૨૦થી વધારે અને રાત્રે ૧૦૦થી વધારે સ્પીડમાં કાર જતી હોય તો એની નંબરપ્લેટ કૅપ્ચર નથી થતી

પ્રતીકાત્મક તસવીર

કોસ્ટલ રોડ પર મોટરિસ્ટો માટે સ્પીડલિમિટ બાંધેલી છે. જો તેઓ એ સ્પીડલિમિટ ક્રૉસ કરે તો તેમની ઇમેજ ત્યાં લગાડવામાં આવેલા CCTV કૅમેરામાં ઝિલાઈ જાય છે અને તેમને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ઈ-ચલાન મોકલવામાં આવે છે. જોકે રવિવારે પૂરઝડપે જઈ રહેલી BMW કારનો ઍક્સિડન્ટ થયો અને એમાં ૩ યુવાનોનાં મોત થયા બાદ સેફ્ટીના મુદ્દાઓ ફરી ચર્ચાવા માંડ્યા છે ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટના જ એક ઑફિસરે કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડ પર લગાવવામાં આવેલા CCTV કૅમેરા દિવસના સમયે ૧૨૦ કિલોમીટરની ઝડપે જઈ રહેલી કારની નંબરપ્લેટ કૅપ્ચર કરી શકે છે. જોકે રાતના સમયે ઓછા અજવાળામાં ૧૦૦ કિલોમીટરની ઝડપ સુધીનાં વાહનોની નંબરપ્લેટ કૅપ્ચર થઈ શકે છે. જોકે એવા ઘણા મોટરિસ્ટો, ખાસ કરીને સ્પોર્ટ્સકાર ચલાવનારા લોકો વહેલી સવારે અથવા રવિવારે સવારના કોસ્ટલ રોડ પર ટ્રાફિક ઓછો હોય ત્યારે તેમની કાર પૂરઝડપે દોડાવતા હોય છે. તેમની કારની નંબરપ્લેટ ઘણી વખત CCTV કૅમેરામાં ઝિલાતી નથી. જો ક્યારેક નંબરપ્લેટ દેખાઈ જાય અને ઈ-ચલાન ઇશ્યુ પણ કરાય તો એ ફાઇનની રકમ તેમના માટે બહુ જ મામૂલી હોય છે. બીજો એક રસ્તો છે સ્પીડગનનો, પણ એ માટે અમારા કૉન્સ્ટેબલે જાતે એ સ્પીડગન લઈને સ્પૉટ પર હાજર રહેવું પડે છે.’

mumbai news mumbai Mumbai Coastal Road road accident mumbai police