કેન્દ્ર સરકારનો યુ-ટર્ન : સંચાર સાથીને ફરજિયાત સાથી બનાવવાની જરૂર નથી

03 December, 2025 07:07 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મોબાઇલ ફોનના ઉત્પાદકોએ આ ઍપ પ્રી-ઇન્સ્ટૉલ કરવાની જરૂર ન હોવાની સ્પષ્ટતા કરી અને યુઝર ઇચ્છે તો ડિલીટ પણ કરી શકશે

સાઇબર સુરક્ષા ઍપ ‘સંચાર સાથી’

સાઇબર સુરક્ષા ઍપ ‘સંચાર સાથી’ને બધા મોબાઇલ ફોનમાં પ્રી-ઇન્સ્ટૉલ કરવાના ટેલિકૉમ વિભાગના આદેશ પર વિવાદ ઊભો થયા બાદ કેન્દ્ર સરકારે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી. આ મુદ્દે કેન્દ્રીય સંદેશવ્યવહારપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ ઍપ દરેક મોબાઇલ ફોનમાં પ્રી-લોડ કરવી ફરજિયાત નથી અને જો યુઝર ઇચ્છે તો એને ડિલીટ કરી શકે છે.
પહેલી ડિસેમ્બરે કેન્દ્ર સરકારે તમામ સ્માર્ટફોન કંપનીઓને ખાનગી રીતે સરકારની સાઇબર સુરક્ષા ઍપ પ્રી-ઇન્સ્ટૉલ કરવાનો આદેશ આપ્યો હતો. આમ કરવા માટે કંપનીઓને ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. કૉન્ગ્રેસ સહિત વિપક્ષોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

આ મુદ્દે કૉન્ગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘આ પગલું લોકોની ગોપનીયતા પર સીધો હુમલો છે. એ એક જાસૂસી ઍપ છે. સરકાર દરેક નાગરિક પર નજર રાખવા માગે છે. જ્યારે સાઇબર છેતરપિંડીની જાણ કરવા માટેની સિસ્ટમ જરૂરી છે ત્યારે સરકારનો તાજેતરનો આદેશ લોકોના અંગત જીવનમાં બિનજરૂરી ઘૂસણખોરી સમાન છે. સોમવારે સરકારે કહ્યું હતું કે એ બધા મોબાઇલ ફોનમાં ઇન્સ્ટૉલ કરવામાં આવશે અને મંગળવારે કહ્યું કે એને ડિલીટ કરી શકાય છે.’

ઍપલનો ઇનકાર 
સ્માર્ટફોનમાં સંચાર સાથી ઍપ પ્રી-ઇન્સ્ટૉલ કરવાનો સ્માર્ટફોન નિર્માતા ઍપલે ઇનકાર કર્યો હતો. ઍપલે આ નિર્ણયનો વિરોધ કરીને સરકાર સમક્ષ પોતાની ચિંતાઓ રજૂ કરી છે. ઍપલ માને છે કે આવી જરૂરિયાત એનાં ઉપકરણોની ગોપનીયતા અને સુરક્ષા-માળખાને અસર કરી શકે છે. કંપની આ મુદ્દે સરકાર પાસેથી સ્પષ્ટતા અને ચર્ચા માગશે અને પછી ઔપચારિક જવાબ મોકલશે. ઍપલે કહ્યું છે કે એ વિશ્વના કોઈ પણ દેશમાં આવી ફરજિયાત ઍપ પ્રી-લોડ કરતી નથી. 

સંચાર સાથી ઍપ શું છે?

સંચાર સાથી ઍપ એક સરકારી સાઇબર સુરક્ષા અને ટ્રૅકિંગ પ્લૅટફૉર્મ છે જે ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે જેથી મોબાઇલ યુઝર્સને ડિજિટલ છેતરપિંડી, ચોરાયેલા ફોન અને ગેરકાયદે સિમથી બચાવી શકાય છે. એ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) સાથે જોડાયેલું છે. સંચાર સાથી ઍપ દ્વારા અત્યાર સુધીમાં ૭,૦૦,૦૦૦થી વધુ ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલ ફોન મળી આવ્યા છે.

cyber crime indian government national news india Crime News technology news tech news