એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવાના સેન્ટ્રલ રેલવેએ MRIDC પાસે માગ્યા ૪૭ કરોડ રૂપિયા

25 November, 2025 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવે અગાઉ જ ૫૯.૧૪ કરોડ રૂપિયા માગી ચૂકી છે

એલ્ફિન્સ્ટન પર આવેલો રોડ ઓવર બ્રિજ

સેન્ટ્રલ રેલવેએ હવે રેલવેની હદમાં આવતો એલ્ફિન્સ્ટન પર આવેલો રોડ ઓવર બ્રિજ તોડવા વિવિધ ચાર્જ તરીકે મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MRIDC) પાસે ૪૭ કરોડ રૂપિયાની માગણી કરી છે, જ્યારે શરૂઆતમાં સેન્ટ્રલ રેલવેએ આ માટે ફક્ત ૧૦ કરોડ રૂપિયા માગ્યા હતા.

એલ્ફિન્સ્ટન બ્રિજ વેસ્ટર્ન લાઇન પરથી પણ પસાર થાય છે ત્યારે વેસ્ટર્ન રેલવેએ આ માટે ઑલરેડી MRIDC પાસે ૫૯.૧૪ કરોડ રૂપિયાની રકમ માગી છે. એથી કુલ મળીને ફક્ત રેલવે પરના બ્રિજ માટે હવે MRIDCએ હવે ૧૦૬ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. 

એલ્ફિન્સ્ટન બ્રિજનો સેન્ટ્રલ રેલવે પર આવતો ભાગ ૧૩૨ મીટરનો છે. એ તોડી પાડવા હાલ MRIDC, સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓની મીટિંગ થઈ હતી. એમાં ટ્રેન-સર્વિસને અસર ન પહોંચે એ રીતે કઈ રીતે આ કામ થઈ શકે, એ માટે શું મશીનરી જોઈશે, કેટલા લોકો સંકળાયેલા હશે, કેટલો સમય લાગશે એ બધા પર હાલ ચર્ચા ચાલી રહી છે. MRIDC જૂનો બ્રિજ તોડીને નવો ડબલ-ડેકર બ્રિજ ૧૬૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવી રહી છે.

mumbai news mumbai central railway western railway elphinstone road