10 April, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડબ્બામાં ચડીને ખાવા-પીવાની વસ્તુઓ વેચતા કે પછી નાનીમોટી ફેરી કરતા ફેરિયા
સેન્ટ્રલ રેલવેમાં ગિરદીને કારણે રોજેરોજ અકસ્માત થાય છે. એમાં પાછા ડબ્બામાં ચડીને ખાવા-પીવાની વસ્તુઓ વેચતા કે પછી નાનીમોટી ફેરી કરતા ફેરિયાઓ પ્રવાસીઓની હાડમારીમાં વધારો કરતા હોય છે. પહેલાં પોલીસ ફેરિયાઓ પર કાર્યવાહી કરતી હતી. લોકોની સુરક્ષાનો પણ પ્રશ્ન હતો. જોકે હવે સેન્ટ્રલ રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ જતી ટ્રેનોમાં કાયદેસર રીતે ફેરિયાઓ ધંધો કરી શકે એ માટેનો કૉન્ટ્રૅક્ટ આપ્યો છે જેનો ઉપનગરીય રેલવે પ્રવાસી સંઘે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે.
સેન્ટ્રલ રેલવેએ કમાણી પણ થાય અને ગેરકાયદે ફેરિયાઓને દૂર રાખી શકાય એ માટે ફેરિયાઓને કાયદેસરતા આપવાનો નિર્ણય લીધો છે. આ માટે સેન્ટ્રલ રેલવેના પબ્લિસિટી વિભાગે ૬ નવેમ્બરે ભિવંડીની કોન ગામની એક કંપનીને ૨૨ ડિસેમ્બર ૨૦૨૫થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૮ સુધીનો ૩ વર્ષનો કૉન્ટ્રૅક્ટ આપ્યો છે. આ કૉન્ટ્રૅક્ટરના કુલ ૪૬ ફેરિયાઓ ચોક્કસ યુનિફૉર્મનું ટી-શર્ટ અને કૅપ પહેરીને ધંધો કરી શકશે. આ ૪૬ ફેરિયાઓમાં ૩૦ બિનમરાઠી છે અને ૧૬ મરાઠી છે.
વિરોધ કેમ?
સેન્ટ્રલ રેલવેના આ નિર્ણય બાબતે ઉપનગરીય રેલવે પ્રવાસી સંઘે કહ્યું હતું કે ‘૨૦૨૩માં પણ રેલવેએ ફેરિયાઓને માન્યતા આપવા વિચાર્યું હતું. અમે એ વખતે પણ એનો વિરોધ કર્યો હતો. મુંબઈની લોકલ ટ્રેનમાં સખત ગિરદીને કારણે જ્યારે પ્રવાસીઓને જ જીવનું જોખમ હોય છે ત્યારે રેલવેના ફેરિયાઓને ટ્રેનમાં ધંધો કરવા દેવાનો નિર્ણય પ્રવાસીઓના જીવની સાથે રમત રમવા જેવું ગણાશે એટલે આ નિર્ણય ત્વરિત પાછો ખેંચાવો જોઈએ.’
કેટલામાં કૉન્ટ્રૅક્ટ?
કૉન્ટ્રૅક્ટર દર વર્ષે ફેરીનો ધંધો કરવા માટે ૪૪,૦૧,૦૦૦ રૂપિયા સેન્ટ્રલ રેલવેને ચૂકવશે. આમ સેન્ટ્રલ રેલવેને ૩ વર્ષમાં ૧,૩૨,૦૦,૦૦૦ રૂપિયાની આવક થવાની છે. ઈ-ઑક્શનમાં આ કૉન્ટ્રૅક્ટની હરાજી થઈ હતી.