15 November, 2025 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
CSMT પર ટ્રેનો રોકીને આંદોલન પર ઊતરેલા CRMSએ હવે CSMTની લૉબીમાં વર્ક ટુ રૂલનાં બોર્ડ લગાડ્યાં છે
સેન્ટ્રલ રેલવેનાં ટ્રેડ યુનિયનો સબર્બન નેટવર્ક પર ‘વર્ક ટુ રૂલ’ કન્સેપ્ટ લાગુ કરીને પ્રવાસીઓને ફરી પાછી હેરાનગતિ થાય એવી સ્થિતિમાં મૂકી શકે છે. મુંબ્રા ટ્રેન ટ્રૅજેડીમાં સેન્ટ્રલ રેલવેના બે એન્જિનિયરો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયો હતો એ પાછો ખેંચવા માટે ૬ નવેમ્બરે તેમણે આંદોલન કર્યું હતું. હવે એ આંદોલન બદલ પણ FIR થતાં ‘વર્ક ટુ રૂલ’ દ્વારા પરોક્ષ રીતે આંદોલન કરવાની સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘ (CRMS)એ ચીમકી આાપી છે.
૬ નવેમ્બરે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર ટ્રેનો રોકીને આંદોલન પર ઊતરેલા CRMSએ હવે CSMTની લૉબીમાં વર્ક ટુ રૂલનાં બોર્ડ લગાડ્યાં છે. વર્ક ટુ રૂલ એટલે કર્મચારીઓ દરેક નિયમ અને પ્રોટોકૉલનું પાલન કરશે, પરંતુ કામમાં બાંધછોડ કરીને વધારાનું કામ નહીં કરે. એને કારણે કર્મચારીઓ ડ્યુટી પર હાજર હશે, પણ ડ્યુટીના કલાકોમાં જ નિર્ધારિત કામ કરશે એને કારણે ટ્રેન નેટવર્કના સંચાલનમાં ઘણી અડચણ ઊભી થવાની શક્યતા છે. પેપરવર્ક, ક્રૂ બદલવાની પ્રક્રિયા વગેરે કામમાં મોડું થશે.
આ બાબતે રેલવેના અધિકારીઓએ કોઈ પગલાં લેવાની સ્પષ્ટતા નથી કરી. બુધવારે થાણે સેશન્સ કોર્ટે મુંબ્રા દુર્ઘટનાના આરોપી બે રેલવે એન્જિનિયરોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. એન્જિનિયરો હવે બૉમ્બે હાઈ કોર્ટમાં જાય એવી શક્યતા છે.