10 January, 2025 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૂટેલાં હાઇટ-બૅરિયર્સને રિપેર કરવાનું સેન્ટ્રલ રેલવેએ શરૂ કર્યું છે
કિંગ્સ સર્કલ સ્ટેશન પાસે રેલ ઓવર બ્રિજની હાઇટ ઓછી હોવાથી એની આગળ હાઇટ બૅરિયર્સ લગાડવામાં આવ્યાં છે, જેથી ઊંચાં વાહનો એની નીચેથી પસાર ન થાય. એમ છતાં મંગળવારે મધરાત બાદ એની નીચેથી પસાર થઈ રહેલી એક ટ્રકે એક હાઇટ-બૅરિયરને ટક્કર મારી હતી. એની થોડી વાર બાદ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST)ની AC બસે બીજા હાઇટ-બૅરિયરને ટક્કર મારી હતી. આમ રેલવેના બ્રિજને નુકસાન ન થાય એ માટે બેસાડવામાં આવેલાં બન્ને હાઇટ-બૅરિયરને આ વાહનો ટકરાતાં એમને નુકસાન થયું હતું. જોકે રેલવેના બ્રિજને નુકસાન થયું નહોતું, પણ બન્ને હાઇટ-બૅરિયરને નુકસાન થયું હોવાથી સેન્ટ્રલ રેલવેએ યુદ્ધના ધોરણે એનું સમારકામ હાથ ધર્યું છે.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે ‘મંગળવારે મધરાત બાદ ૩ વાગ્યે સાયનથી દાદર તરફ જતી લેન પર ગોઠવવામાં આવેલા હાઇટ-બૅરિયરને એક ટ્રકે ટક્કર મારતાં એ ડૅમેજ થયું હતું. એ પછી BESTની બસે બીજા હાઇટ-બૅરિયરને ટક્કર મારી હતી. એમાં બસની ઉપર બેસાડવામાં આવેલા AC યુનિટને નુકસાન થયું હતું. અમે એ બન્ને હાઇટ-બૅરિયર્સને ફરીથી ઊભાં કરવાનું કામ ચાલુ કર્યું છે.’