04 November, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાંબા સમયથી ચાયોસ નજીક રહેતી બિલાડી અને એને અજ્ઞાત સ્થળે ત્યજી દેવા માટે લઈ જતો ચાયોસનો સ્ટાફ.
ચા અને કૉફીનાં આઉટલેટ્સ ધરાવતી જાણીતી બ્રૅન્ડ ચાયોસ દ્વારા એના બાંદરામાં આવેલા આઉટલેટના સ્ટાફ દ્વારા એક બિલાડીને અન્ય સ્થળે મૂકી આવવાના મામલે ચાયોસે માફી માગીને પોતાના સ્ટાફને કમ્યુનિટી ઍનિમલ્સ વિશેના પ્રોટોકૉલ્સ અને બધા જ નિયમો વિશે જાણકારી આપીને તેમને ટ્રેઇન કરવામાં આવશે એવી બાંયધરી આપી છે.
બાંદરા-વેસ્ટમાં આવેલા તેમના કૅફેની બહાર જ રહેતી એક બિલાડીને ચાયોસના સ્ટાફે રાતના સમયે પકડીને બીજા સ્થળે મૂકી દીધી હતી. આ વાત સામે આવતાં જ કૅફેના રેગ્યુલર કસ્ટમર તથા સ્થાનિક લોકો ઉપરાંત પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
લોકોનો આવો પ્રતિભાવ જોવા મળતાં ચાયોસના ૨૦ સ્ટાફ-મેમ્બર દ્વારા બિલાડીને શોધવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે પછીથી પૂર્ણિમા મોટવાણી નામની મહિલાએ આ બિલાડીને અડૉપ્ટ કરીને એની સારસંભાળ લેવાની જવાબદારી સ્વીકારી હોવાનું જાણવા મળ્યું હતું. ચાયોસે એના સ્ટાફ-મેમ્બર દ્વારા કરવામાં આવેલી ભૂલ બદલ માફી માગી હતી અને તેમને કમ્યુનિટી ઍનિમલ્સ બાબતના નિયમો વિશે ટ્રેઇનિંગ આપવામાં આવશે એવી બાંયધરી આપી હતી.
પ્રાણીઓને રી-લોકેટ
કર્યાં છે તો ફસાઈ જશો
ઉલ્લેખનીય છે કે કાયદા મુજબ જે-તે વિસ્તારમાં રહેતાં કમ્યુનિટી ઍનિમલ્સ એટલે કે બિલાડી-શ્વાન જેવાં પશુઓને વિના પરવાનગી અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા વિના અન્યત્ર ખસેડવાં એ ગુનો છે. આ બદલ સજા કે દંડ પણ થઈ શકે છે.