✕

ભાઈ-બહેનોએ તળાવમાં ઊતરવાની ના પાડી છતાં કૂદ્યો અને જીવ ગુમાવ્યો

17 November, 2026 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છઠ પૂજા વખતે ડો‌મ્બિવલીમાં બની હૃદયદ્રાવક ઘટના, તહેવાર શોકમાં ફેરવાયો

મૃત્યુ પામનારો યુવક જુગનૂ ચૌહાણ તથા તેના મૃતદેહને શોધવા ચાલતું રેસ્ક્યુ ઑપરેશન.

રવિવારે છઠ પૂજાના પહેલા દિવસે કલ્યાણ-ડોમ્બિવલીમાં એક કરુણ ઘટના બની હતી જેના કારણે શ્રદ્ધા અને આનંદનો આ તહેવાર શોકમાં ફેરવાઈ ગયો હતો. કલ્યાણ-શિળ હાઇવે નજીક ડોમ્બિવલીના દાવડી-પરિસરમાં આવેલા તળાવમાં છઠ પૂજા કરવા આવેલા ચૌહાણ કુટુંબે સોમવારે બનેલી દુર્ઘટનામાં પોતાનો બાવીસ વર્ષનો જુવાન દીકરો ગુમાવ્યો હતો. 
મળેલી માહિતી મુજબ સોમવારની સાંજે બાવીસ વર્ષનો જુગનૂ ચૌહાણ પોતાનાં ભાઈ-બહેનો સાથે દાવડી તળાવમાં છઠ પૂજા કરવા ગયો હતો. આ દરમ્યાન તેણે તળાવમાં ઊતરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે જુગનૂનાં ભાઈ-બહેનોએ તેને તળાવમાં જવાની ના પાડી હતી એ છતાં જુગનૂ તળાવમાં ગયો હતો.
જુગનૂને તળાવના ઊંડાણનો અંદાજો ન હોવાથી થોડી જ વારમાં તે તણાવા લાગ્યો હતો. એ જોતાં તેનાં ભાઈ-બહેનોએ તથા આસપાસના લોકોએ બૂમાબૂમ કરીને મદદ માગી હતી. જોકે જુગનૂને બચાવવા તળાવમાં ઝંપલાવી શકે એવું કોઈ ત્યાં હાજર નહોતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે આટલો મોટો તહેવાર હોવા છતાં અહીં ફાયર બ્રિગેડના જવાનો કે લાઇફ ગાર્ડ કોઈ પણ નહોતું. તહેવારને જોતાં પ્રશાસને સુરક્ષાનો બંદોબસ્ત રાખવો જોઈતો હતો. 

NDRFને મદદ માટે બોલાવવાનો પ્રયત્ન

જુગનૂના મૃતદેહને શોધવાના પ્રયત્ન રવિવારની આખી રાત તથા સોમવારે પણ શરૂ હતા. જોકે તેના મૃતદેહને શોધી રહેલી ફાયરબ્રિગેડને મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નહોતો. સ્થાનિક વિધાનસભ્યને પણ આ બાબતની જાણ થઈ હતી અને તેમણે જુગનૂના મૃતદેહને શોધવા માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની મદદ લેવા માટે પ્રયત્નો શરૂ હોવાનું જણાવ્યું હતું.

culture news thane kalyan dombivali municipal corporation mumbai festivals mumbai news