મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને કરી સમૃદ્ધિ હાઈવેની ટેસ્ટ રાઈડ; ફડણવીસના હાથમાં `સ્ટિયરિંગ`

04 December, 2022 08:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરથી શિરડી સુધીના સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે

તસવીર સૌજન્ય: પીટીઆઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નાગપુરથી શિરડી સુધીના સમૃદ્ધિ હાઈવે (Samruddhi Highway)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આજે મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde), નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Dy CM Devendra Fadnavis) સમૃદ્ધિ હાઈવેની સમીક્ષા કરવા માટે `ટેસ્ટ રાઈડ` પર ગયા હતા. નાગપુરથી આ કાફલો શિરડી જવા રવાના થયો હતો. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન એક જ કારમાં હતા. રસપ્રદ વાત એ છે કે કારનું `સ્ટિયરિંગ` નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથમાં હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બરે નાગપુરની મુલાકાતે જવાના છે. તે દરમિયાન પીએમ સમૃદ્ધિ હાઇવેનું ઉદ્ઘાટન કરશે. તે પહેલા આજે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુરથી શિરડી સુધીના હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું. ટેસ્ટ રાઈડ માટે રવાના થતા પહેલા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનએ રામટેકના સાંસદ કૃપાલ તુમાનેના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.

તે પછી, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને નાગપુર નજીક સમૃદ્ધિ માર્ગ પર ઝીરો માઇલ્સ (હાઇવેના પ્રારંભિક બિંદુ)થી તેમની યાત્રા શરૂ કરી. તેમણે નાગપુરથી શિરડી સુધીની 521 કિલોમીટરની યાત્રા કરી. નિર્ધારિત પ્રવાસ મુજબ તેઓ સાંજે 5 વાગે શિરડી પહોંચ્યા, જે બાદ મુખ્યપ્રધાન શિરડી એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થયા.

મીડિયા સાથે વાત કરતા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, “આ ખૂબ જ ગર્વની વાત છે કે આ હાઈવેનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તેમ જ અમે રાજમાર્ગનું ઉદ્ઘાટન કરવાનો લહાવો મેળવીને ખુશ છીએ.” તો નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “સમૃદ્ધિ હાઈવે વિદર્ભના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે આ હાઈવેનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. તેથી આ વખતે હું ટેસ્ટ રાઈડનો આનંદ માણી રહ્યો છું.”

આ પણ વાંચો: સોલાપુરમાં જુડવા બહેનોએ જિંદગીભર સાથે રહેવા માટે એક જ મુરતિયા સાથે કર્યાં લગ્ન

11 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમૃદ્ધિ હાઇવેની સાથે નાગપુર મેટ્રોની રીચ 2 અને રીચ 3 લાઇનનું ઉદ્ઘાટન કરશે. ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તેની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

mumbai mumbai news eknath shinde devendra fadnavis