બારામતીની પેટાચૂંટણી માટે દેવેન્દ્ર ફડણવીસની તમામ પક્ષોને અપીલ

05 April, 2026 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બધાએ મળીને સુનેત્રા પવારને સપોર્ટ આપવો જોઈએ, તેઓ બિનહરીફ જીતશે તો મહારાષ્ટ્રનું જ સારું દેખાશે

દેવેન્દ્ર ફડણવીસ

બારામતીની પેટાચૂંટણીમાં રાજ્યનાં નાયબ પ્રધાન સુનેત્રા પવાર બિનહરીફ જીતે એવી ઇચ્છા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે ‘બારામતીની પેટાચૂંટણી માટે બધા પક્ષોએ સુનેત્રા પવારને સપોર્ટ આપવો જોઈએ. મારી બધાને એ માટે વિનંતી છે. જો પેટાચૂંટણી બિનહરીફ થશે તો એનાથી મહારાષ્ટ્રનું જ સારું દેખાશે. આ પહેલાં પણ મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટણીઓ થઈ છે. જ્યારે આર. આર. પાટીલનું નિધન થયું ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમે એ ચૂંટણી નહીં લડીએ. એ વખતે એ ચૂંટણી બિનહરીફ થઈ હતી. આ વખતે પણ બધા પક્ષોએ મન મોટું રાખીને સુનેત્રા પવારને સપોર્ટ કરવો જોઈશે.’ 

બીજી બાજુ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP) અને શિવસેના (UBT)એ હજી સુધી એ બાબતે કોઈ સમર્થન જાહેર કર્યું નથી અને તેમનો ઉમેદવાર ઊભો રાખશે કે નહીં એના પરથી પડદો ઊંચક્યો નથી. સુનેત્રા પવારે ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને તેમને સપોર્ટ આપવા વિનંતી કરી છે. શિવસેના (UBT)ના સેક્રેટરી મિલિંદ નાર્વેકરે પણ એ વાતને પુષ્ટિ કરી હતી કે સુનેત્રા પવારનો ફોન ઉદ્ધવ ઠાકરેને આવ્યો હતો. જોકે કૉન્ગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો રાખે એવી શક્યતા છે એથી ૨૩ એપ્રિલે બારામતીની પેટાચૂંટણી યોજાય એવી શક્યતા જોવાઈ રહી છે.

વિધાનપરિષદ માટે ઉદ્ધવ ઠાકરે જે નામ કહેશે એને અમારો સપોર્ટ હશે: શરદ પવાર 

રાજ્યસભાની બેઠક માટે શરદ પવારની વરણી થઈ છે અને એ માટે મહા વિકાસ આઘાડીના સાથી-પક્ષોએ સપોર્ટ આપ્યો હોવાથી હવે વિધાનપરિષદની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જેને કહેશે તેને અમારો સપોર્ટ હશે એમ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા શરદ પવારે કહ્યું છે.

mumbai news mumbai baramati maharashtra political crisis indian politics bharatiya janata party bhartiya janta party bjp sunetra pawar sharad pawar devendra fadnavis nationalist congress party