15 July, 2026 06:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના મુદ્દે રામરક્ષા આંદોલન શરૂ કર્યું ત્યાર બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને તે રાજકીય ક્ષેત્રે હવે કોઈ મહત્ત્વ ધરાવતા ન હોવાનું કહી તેમને એક હતાશ થઈ ગયેલી વ્યક્તિ ગણાવ્યા હતા તેમ જ ઉદ્ધવ ઠાકરેને જો રામરક્ષા સ્તોત્રનું પઠન કરતાં આવડે તો પોતે પણ તેમની સાથે પઠન કરવા તૈયાર હોવાનું કહ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે રામરક્ષા આંદોલન વિશે પ્રતિક્રિયા આપતી વખતે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે ‘રામરક્ષા સ્તોત્રનું જ્ઞાન જ ન હોય તો રામરક્ષા આંદોલન કરવું યોગ્ય નથી. ઉદ્ધવજીએ પહેલાં રામરક્ષા સ્તોત્રનું પઠન કઈ રીતે કરવું એ શીખવું જોઈએ. એક વખત એ શીખી જાય, બે પાનાં બરાબર વાંચે ત્યાર પછી હું પણ તેમની સાથે આવીને રામરક્ષાનું પઠન કરીશ. સમજાય નહીં તો વાંધો નહીં, તેમણે પઠન કરતાં તો શીખવું જોઈએ. અગાઉ પણ મુંબઈમાં તે બરાબર વાંચી શક્યા નહોતા.’