Kalyan: આઈસ્ક્રીમ કોનમાંથી નીકળ્યો કીડો, બાળકના પરિવારે કંપની બંધ કરવાની કરી માંગ

01 June, 2026 02:53 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Child finds worm in packaged ice cream cone in Kalyan: ભત્રીજા માટે ખરીદેલા પેકેજ્ડ ચોકલેટ આઈસ્ક્રીમ કોનમાંથી નીકળ્યો કીડો; દુકાનદારે પોતાની કોઈ જવાબદારી ન હોવાનું કહ્યું; કંપની બંધ કરવાની બાળકના સ્નેહીજનોની કંપની બંધ કરવાની માંગ

વાયરલ વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ

થાણે (Thane) જિલ્લાના કલ્યાણ (Kalyan) વિસ્તારમાંથી ખાદ્ય સુરક્ષા (Food Safety)ને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળક માટે ખરીદવામાં આવેલા પેકેજ્ડ ચોકલેટ આઈસ્ક્રીમ કોનમાંથી કીડો નીકળ્યો હોવાનો દાવો (Child finds worm in packaged ice cream cone in Kalyan) કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા બાદ ગ્રાહકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. બાળકના પરિવારે આ અંગે ઉત્પાદક કંપની સામે કડક કાર્યવાહી કરવાની અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

ચોકલેટ આઈસ્ક્રીમમાંથી નીકળ્યો લાંબો કીડો

ઇન્ડિજિટલ.મરાઠી દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટ અનુસાર, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક બાળક ચોકલેટ આઈસ્ક્રીમ કોન ખાઈ રહ્યું હતું અને તેને અંદર કીડો હોવાનું જણાયું હતું. ઓનલાઈન શેર કરાયેલા વિઝ્યુઅલ્સમાં આઈસ્ક્રીમથી ખરડાયેલો એક લાંબો કીડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં આ અડધો ખાધેલો આઈસ્ક્રીમ કોન આ કીડાની બાજુમાં મૂકેલો જોવા મળી રહ્યો છે.

દુકાનદારે જવાબદારી લેવાનો ઇનકાર કર્યો

આ ઘટના બાદ બાળકના કાકાએ દૂષિત પ્રોડક્ટ અંગે જ્યારે તે દુકાનદારનો સંપર્ક કર્યો જ્યાંથી આઈસ્ક્રીમ ખરીદવામાં આવ્યો હતો, ત્યારે દુકાનદારે આ મામલાથી પોતાને અલગ કરી લીધો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે, દુકાનદારે આ મુદ્દો તેની જવાબદારી હેઠળ ન આવતો હોવાનું કહીને કોઈ પણ પ્રકારની જવાબદારી લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

બાળકોની સુરક્ષા માટે કંપની બંધ કરવાની માંગ

આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા બાળકના કાકાએ જણાવ્યું કે તેમની આ લડાઈ માત્ર તેમના પોતાના બાળકને ન્યાય અપાવવા પૂરતી સીમિત નથી, પરંતુ આવા ઉત્પાદનો ખાતા તમામ બાળકોની સુરક્ષા માટે છે. તેમણે આ બાબતને અત્યંત ગંભીર ગણાવી આક્ષેપ કર્યો હતો કે આ ઘટના બદલ સંબંધિત કંપનીને બંધ કરી દેવી જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આવા ગંભીર જોખમો હોવા છતાં બહુ ઓછા લોકો આગળ આવીને અવાજ ઉઠાવે છે. આ મુદ્દાને નજરઅંદાજ ન કરવો જોઈએ અને કંપનીની જવાબદારી નક્કી થવી જ જોઈએ.

ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા સામે સવાલો

આ પ્રકારની ઘટનાઓ ખાદ્ય પદાર્થોની બનાવટ, તેમના સંગ્રહ (સ્ટોરેજ) અને પેકેજિંગની સ્થિતિ સામે મોટા સવાલો ઊભા કરે છે. ખાસ કરીને બાળકો દ્વારા વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સમાં હાઈજીન અને કડક ક્વોલિટી ચેક કેટલું જરૂરી છે તે આ ઘટના દર્શાવે છે. મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં આવી નાની ભૂલ પણ બાળકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.

આઈસ્ક્રીમ ઉત્પાદક કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહીં

જો કે, આ મામલે હજુ સુધી આઈસ્ક્રીમ ઉત્પાદક કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ વિઝ્યુઅલ્સને કારણે ગ્રાહકોમાં ભારે રોષ છે અને લોકો આ મામલે યોગ્ય તપાસ તેમજ કડક ઓવરસાઈટની માંગ કરી રહ્યા છે.

kalyan thane viral videos social media mumbai mumbai news