26 February, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લામાં આવેલા તારાપુર MIDC વિસ્તારમાં સ્થિત એક કારખાનામાં ગઈ કાલે ક્લોરિન ગૅસનું લીકેજ થતાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા લીકેજ વહેલી તકે શોધી કાઢવામાં આવ્યું અને તાત્કાલિક પગલાં લઈને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં જ કારખાનામાં સુરક્ષા પ્રક્રિયાઓ અમલમાં મુકાઈ હતી અને આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતીનાં પગલાં લેવાયાં હતાં.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલના સિનિયર અધિકારી વિવેકાનંદ કદમે કહ્યું હતું કે ‘લીકેજને કાબૂમાં લેવા માટે વિવિધ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક યતીશ દેશમુખ સહિતના સિનિયર પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા સાથે જ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસ હાથ ધરી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે જરૂરી માર્ગદર્શિકા આપી હતી. ક્લોરિન ગૅસ લીક થવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને એની વિગતવાર તપાસ ચાલી રહી છે. ક્લોરિન એક ઝેરી ગૅસ છે જે આંખો અને શ્વસનતંત્ર પર પ્રતિકૂળ અસર કરી શકે છે. સ્થાનિક તંત્રની સમયસર કાર્યવાહીથી સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો. તપાસ પૂર્ણ થયા બાદ જ લીકના મૂળ કારણ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે.’