સીટ-બેલ્ટ્સ ફરજિયાત : કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન

31 October, 2022 12:57 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

કારની આગળની અને પાછળની સીટ પર બેલ્ટ્સ બાંધવાનું ફરજિયાત બનાવતા મુંબઈ પોલીસના સર્ક્યુલરનો અમલ આવતી કાલથી થવાનો છે ત્યારે એ વિશે હજીય મોટરિસ્ટ્સમાં ઘણા સવાલ છે અને આદેશના અમલ પહેલાં આ મૂંઝવણ દૂર થવી જોઈએ

મુલુંડમાં સીટ-બેલ્ટ પહેરીને પ્રવાસ કરી રહેલા મુંબઈગરાઓ (તસવીર : રાજેશ ગુપ્તા)

કારની આગલી અને પાછલી સીટ પર સીટ-બેલ્ટ્સ પહેરવાનું ફરજિયાત બનાવતા મુંબઈ પોલીસના સર્ક્યુલરનો આદેશ આ‍વતી કાલથી અમલમાં આવવાનો છે. મુંબઈમાં પહેલી નવેમ્બરથી કારમાં ફરજિયાતના આદેશનો અમલ ભલે કરાતો, પણ એ વિશે અત્યારે તો ઘણું કન્ફ્યુઝન છે. આ નિયમના દંડની રકમ અગાઉ ૨૦૦ રૂપિયા હતી, એ વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. પોલીસે સીટ-બેલ્ટ લગાડવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો હતો, પણ કન્ફ્યુઝન તો છે જ. કેટલાક લોકોએ માગણી કરી કે આ નિયમ કયા વાહન માટે છે એ સ્પષ્ટતા થ‍વી જોઈએ, 
તો વળી કેટલાક લોકો કહે છે પાછલી સીટ પર બેલ્ટ લગાડવા માટે વધુ સમય મળવો જોઈએ.

મુંબઈના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસની નોંધ પ્રમાણે ‘મોટર વેહિકલ્સ (અમેન્ડમેન્ટ), ઍક્ટ, ૨૦૧૯ની કલમ ૧૪૯ (બી) (૧) હેઠળ જેકોઈ વ્યક્તિ સીટ-બેલ્ટ વિના કાર ચલાવશે અને પૅસેન્જર્સે સીટ-બેલ્ટ નહીં પહેર્યો હોય તો એ સજાપાત્ર ઠરશે. તમામ પ્રવાસીઓને સીટ-બેલ્ટ લગાવવા માટે પહેલી નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.’
આ સાથે દંડની રકમ વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.

દંડ સામે તો લોકોને વાંધો નથી, પણ મુદ્દો એ છે કે વાહનોના પ્રકાર વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

મુંબઈ બસ માલક સંગઠનના સેક્રેટરી હર્ષ કોટકે કહ્યું કે ‘રિયર સીટ-બેલ્ટનો નિયમ મોટા ભાગે ફોર-વ્હીલર મોટરકાર માટે છે, પણ ઑથોરિટીએ એ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ, જેથી કોઈ ગૂંચવાડો ન રહે.’

ગયા અઠવાડિયે ‘મિડ-ડે’એ આ સંદર્ભે સ્પષ્ટતા મેળવવા ટ્રાફિક-પોલીસનો સંપર્ક કર્યો તો જૉઇન્ટ કમિશનર (ટ્રાફિક) રાજ્યવર્ધને કહ્યું કે ‘આ નિયમ મુંબઈમાં દોડતા દરેક વાહનને લાગુ પડે છે. તમામ સીટ માટે બેલ્ટ ન હોય અને એવાં વાહનોએ આવતા ૧૫ દિવસમાં સીટ-બેલ્ટ લગાવી દેવા જોઈશે. નિયમભંગ કરનારને કાયદા પ્રમાણે દંડ ફટકારવામાં આવશે.’

મુલુંડના સિનિયર સિટિઝન ઍક્ટિવિસ્ટ નિર્મલ ઠક્કરે જણાવ્યું કે ‘અમે એ વાતે સહમત છીએ કે કારમાંના પ્રવાસીઓની સલામતી માટે સીટ-બેલ્ટ ફરજિયાત હોવા જોઈએ અને અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, છતાં સર્ક્યુલરમાં ઘણા ગ્રે એરિયાઝ અને કન્ફ્યુઝન છે કે કયા વાહનમાં તત્કાળ ધોરણે સીટ-બેલ્ટ ફરજિયાત હોવા જોઈએ. આ કૅટેગરીનાં વાહનોની યાદી બહાર પાડવી જોઈએ જેથી પહેલી નવેમ્બરથી આ આદેશનો દુરુપયોગ ન થાય.’

ઉલ્લેખનીય છે કે તાતા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનું કાર-ઍક્સિડન્ટમાં મોત થયું, એ પછી રિયર સીટ-બેલ્ટ માટેની જાગૃતિ વધી છે.

mumbai mumbai news rajendra aklekar