ડોમ્બિવલીમાં રસ્તાના ખાડાથી નાગરિકો ત્રસ્ત : સ્વતંત્રતાદિવસે અનોખો વિરોધ, આજે મૂક મોરચો

16 August, 2026 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

KDMC અધિકારીઓને સ્વતંત્રતાદિવસની શુભકામનાઓ આપતું બૅનર લગાવ્યું છે જે ડોમ્બિવલી અને કલ્યાણમાં ચર્ચાનો વિષય બન્યું છે.

ફડકે ચોકમાં વિરોધ નોંધાવવા લાગેલું બૅનર.

ડોમ્બિવલીમાં મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો અને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના અધિકારીઓની ઉદાસીનતા સામે નાગરિકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિથી નારાજ થઈને સ્થાનિક નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ સ્વતંત્રતાદિવસના અવસરે ડોમ્બિવલી-ઈસ્ટના ફડકે ચોકમાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખાડાગ્રસ્ત ડોમ્બિવલીકરો તરફથી સ્થાનિક વિધાનસભ્ય, સંસદસભ્ય, કૉર્પોરેટર અને KDMC અધિકારીઓને સ્વતંત્રતાદિવસની શુભકામનાઓ આપતું બૅનર લગાવ્યું છે જે ડોમ્બિવલી અને કલ્યાણમાં ચર્ચાનો વિષય બન્યું છે.

બીજી તરફ ડોમ્બિવલી-વેસ્ટના ગરીબાચા પાડા વિસ્તારમાં શ્રીધર મ્હાત્રે ચોક, મહાલક્ષ્મી ચોકથી H પ્રભાગ કાર્યાલય સુધીનો ૧૫૦૦ મીટર લાંબો રસ્તો છેલ્લા એક વર્ષથી સિમેન્ટ-કૉન્ક્રીટ વગર અટકેલો પડ્યો છે. આ મુખ્ય રસ્તા પર ભારે વાહનો આવતાં જ ટ્રાફિક જૅમ થઈ જાય છે અને કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી મુસાફરો હેરાન થાય છે. વારંવારની રજૂઆતો છતાં KDMCના અધિકારીઓએ ધ્યાન આપતા ન હોવાથી આજે સવારે સાડાદસ વાગ્યે મહાલક્ષ્મી ચોકથી H પ્રભાગ કાર્યાલય સુધી મૂક મોરચો અને જનઆંદોલન યોજાશે. એમાં દેવીચા પાડા, ગરીબાચા પાડા, રાજુનગર અને અનમોલ નગરીના રહેવાસીઓ જોડાશે. સ્થાનિક નાગરિકોની મુખ્ય માગણી છે કે ખાડા તાત્કાલિક પુરાય, રસ્તાનું પહોળીકરણ-કૉન્ક્રીટીકરણ થાય અને નબળા કામની તપાસ કરવામાં આવે.

mumbai news mumbai kalyan dombivali municipal corporation dombivli mumbai potholes independence day