31 March, 2025 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભીંડીબજારમાં શનિવારે સાંજે દાઉદી વહોરા મુસ્લિમ અને સુન્ની મુસ્લિમો વચ્ચે જીભાજોડી અને ઝપાઝપી થઈ હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશનના ડ્યુટી-ઑફિસરે આ ઘટના વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભીંડીબજારની ફૂલગલીમાં દાઉદી વહોરા સમાજની મસ્જિદ છે અને એને અડીને જ સુન્ની મુસ્લિમોની અત્તારી મસ્જિદ છે. હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી શનિવારે સાંજે ઇફ્તારી (રોઝા છોડ્યા પછી લેવાતું ભોજન) માટે કૉમન પૅસેજમાંથી બન્ને ફિરકાના મુસ્લિમોની આવ-જા થઈ રહી હતી અને એ બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો. વાત વણસતાં તેમની વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી જેનો વિડિયો વાઇરલ થયો હતો. અમારી પોલીસ ઑલરેડી ત્યાં હતી જ. તેમણે વચ્ચે પડીને મામલો સુલઝાવ્યો હતો. જોકે એમ છતાં બન્ને પક્ષ તરફથી મોડી રાતે અમને ફરિયાદ કરવામાં આવતાં અમે એની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે.’