10 December, 2025 07:46 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભાના શિયાળુસત્રમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમની જ પાર્ટીના વિધાનસભ્ય અભિમન્યુ પવાર પર લાડકી બહિણ યોજનાનો ઉલ્લેખ કરવામાં આવતાં ભડક્યા હતા અને તેમને ચીમકી આપતાં કહ્યું હતું કે લાડકી બહિણને દરેક પ્રકરણ સાથે ન જોડો, નહીં તો પછી ઘરે બેસવું પડશે.
એમાં બન્યું એવું કે વિરોધ પક્ષોએ સત્રની કાર્યવાહી દરમ્યાન વારંવાર લાડકી બહિણનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે દેવેન્દ્ર ફડણવીસે તેમને વારંવાર લાડકી બહિણ યોજનાનો ઉલ્લેખ કરવાનું ટાળો એમ જણાવ્યું હતું. જોકે પાંચ જ મિનિટ પછી BJPના વિધાનસભ્ય અભિમન્યુ પવારે રાજ્યમાં ગેરકાયદે વેચાતા દારૂ સંદર્ભે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો અને એ વખતે તેમણે પણ લાડકી બહિણ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. એ વખતે અકળાઈ ગયેલા દેવેન્દ્ર ફડણવીસે તેમને કહી દીધું હતું કે વારંવાર લાડકી બહિણનો ઉલ્લેખ દરેક પ્રકરણ સાથે જોડો નહીં, નહીં તો પછી ઘરે બેસવું પડશે. જોકે એ પછી તેમણે અભિમન્યુ પવારના પ્રશ્નના જવાબ પર આશ્વાસન આપતાં કહ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદે દારૂ અને ગુટકા વેચનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.