30 May, 2026 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહાનગર ગૅસ લિમિટેડ (MGL)એ એના કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) અને પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)ના ભાવમાં આજથી વધારો કર્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો અને PNGમાં પ્રતિ ક્યુબિક મીટરમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. CNG માટે હવે પ્રતિ કિલો ૮૬ રૂપિયા, જ્યારે PNG માટે હવે પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર માટે બાવન રૂપિયા ચૂકવવા પડશે. CNGમાં આ પહેલાં ૧૩ મેએ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વાર એમાં બે રૂપિયા વધારી દેવામાં આવ્યા છે.
મુંબઈ રિક્ષા યુનિયનના નેતાએ જણાવ્યું હતું કે ‘ગૅસના ભાવમાં વધારાને કારણે ભાડાવધારાની ફૉર્મ્યુલા મુજબ નવી ગણતરીઓ કરવામાં આવી છે. મૂળ ભાડા પર પ્રતિ કિલોમીટર આશરે ૧.૧૨ રૂપિયાનો ભાડાવધારો કરવાની જરૂર જણાય છે, એટલે કે ભાડામાં એક રૂપિયાનો ભાડાવધારો કરી શકાય.’
ભાડાવધારાનો પ્રસ્તાવ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (MMRTA)ને મોકલવામાં આવશે, જે કોઈ પણ ઑટો-ટૅક્સીના ભાડાવધારા પર અંતિમ નિર્ણય લેશે. ટૅક્સી યુનિયનોએ છેલ્લા એક વર્ષમાં CNGના વધતા ખર્ચને કારણે મૂળ ભાડામાં ઓછામાં ઓછા બેથી ત્રણ રૂપિયાનો ભાડાવધારો કરવાની પણ માગણી કરી છે.