મુંબઈની ફાસ્ટ લાઇફ CNGની અછતથી એકદમ સ્લો પડી ગઈ

18 November, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં CNG સપ્લાયની મુખ્ય પાઇપલાઇનમાં ખામી સર્જાતાં શહેરભરમાં સપ્લાય ખોરવાઈ ગઈ, રોડ ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થયો, રિક્ષા અને ટૅક્સીનોે ધંધો ઠપ થઈ ગયો, ગૅસ-સ્ટેશનની લાઇનમાં લોકોને કલાકો લાગ્યા હતા

કાંદિવલીના ચારકોપમાં CNG પમ્પની બહાર રિક્ષાની લાંબી લાઇન લાગી હતી. બાંદરા તળાવ નજીકના CNG પમ્પ પર ફોર-વ્હીલર માટે CNG બંધ હોવાનું બોર્ડ માર્યું હતું. (તસવીરો: સૈયદ સમીર અબેદી / નિમેશ દવે)

મુંબઈમાં રવિવારે બપોરથી કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ની સપ્લાય અટકી જતાં મુંબઈગરાને ગઈ કાલે ભારે હાડમારી ભોગવવી પડી હતી જે આજે પણ ચાલુ રહે એવી સંભાવના છે. હજારો ઑટોરિક્ષા, ટૅક્સી, અને અન્ય CNG પર દોડતાં વાહનો અટકી ગયાં હતાં. જે થોડું ઘણું પ્રેશર હતું એનાથી બહુ જૂજ CNG-પમ્પ પર વાહનોને CNG મળી રહ્યું હતું. એથી પમ્પો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. એ સમસ્યાનો ઉકેલ આજે બપોર સુધી આવવાની શક્યતા છે એમ મહાનગર ગૅસ લિમિટેડ (MGL) દ્વારા કહેવાયું હોવાથી કદાચ આજે પણ હાડમારી ચાલુ રહેશે એવું ચર્ચાઈ રહ્યું હતું.

કેમ સર્જાઈ આ હાલાકી?
રવિવારે રાતે એક નિવેદન બહાર પાડીને MGLએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF) કમ્પાઉન્ડની અંદર ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (GAIL)ની એક મુખ્ય ગૅસ સપ્લાય પાઇપલાઇનને થર્ડ-પાર્ટી ડૅમેજ થયું હતું. એને કારણે વડાલામાં આવેલા સિટી ગૅસ સ્ટેશન સુધી પહોંચતી સપ્લાયમાં તકલીફ સર્જાઈ હતી. વડાલાનું આ સ્ટેશન મુંબઈમાં ગૅસ-સપ્લાયનું એ​ન્ટ્રિ-પૉઇન્ટ છે. એને પરિણામે ગઈ કાલે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ઘણાં CNG-સ્ટેશનો લિમિટેડ કૅપિસિટી સાથે કાર્યરત હતાં. ઘણાં સ્ટેશનો બંધ થઈ ગયાં હતાં. એને લીધે ગૅસ-સ્ટેશનો પર લાંબી લાઇનો જોવા મળી હતી અને લોકોએ કલાકો સુધી રીફ્યુઅલિંગ માટે રાહ જોવી પડી હતી.

જો સપ્લાય ચાલુ નહીં થાય તો આજે સ્કૂલ-બસ નહીં દોડે  

સ્કૂલ-બસ પણ હવે CNG પર દોડતી હોવાથી જો સમયસર CNGની સપ્લાય નહીં થાય તો આજે મંગળવારે સ્કૂલ-બસ નહીં દોડાવી શકાય એમ સ્કૂલ-બસ ઑનર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ નીલ ગર્ગે ​કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમને ખબર નથી પડતી કે સરકાર મહાનગર ગૅસને જ કેમ મૉનોપોલી આપી છે? CNG-સપ્લાય ન થવાને કારણે ૨૦૦૦ સ્કૂલ-બસ અટકી પડી છે. જેને કારણે સ્કૂલ-બસ ઑપરેટરોને બહુ મોટું નુકસાન થયું છે અને બાળકોને હાડમારી ભોગવવી પડી છે. ૧૦ કિલોમીટરની બે ટ્રિપ માટે પ્રાઇવેટ બસ ૧૨,૦૦૦ રૂપિયા ચાર્જ કરી રહી છે. ઑટો અને ટૅક્સીવાળા પણ મનફાવે એમ ભાડાં લઈ રહ્યા છે. સ્કૂલ અને કૉલેજોને સમસયર જાણ કરવાનું​ મેકૅનિઝમ કેમ સરકાર વિકસાવતી નથી.’

બેસ્ટની CNG-બસ અસરથી મુક્ત 
લાખો મુંબઈગરાઓને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જતી બૃહન્મુંબઈ ઇલે​​ક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની CNGની બસને અસર થઈ નહોતી. એ વિશે મહિતી આપતાં BEST પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અમારી પાસે સોમવાર સુધીનો તો CNGનો સ્ટૉક હતો. એથી ગઈ કાલે તો વાંધો નહોતો આવ્યો. જોકે આજનું કંઈ ચોક્કસપણે ન કહી શકાય.’

મુંબઈગરા પાસે આજના વિકલ્પ     
મુંબઈમાં રિક્ષા અને ટૅક્સી તો CNG પર ચાલતી હોવાથી એ તો ગઈ કાલે અટકી ગઈ હતી, પણ એમાં દિલાસારૂપ BESTની ઇલેક્ટ્રિક પર દોડતી ૧૨૩૭ બસને કારણે લોકોને વિકલ્પ મળી રહ્યો હતો. સાથે જ લોકોએ મેટ્રો અને લોકલ ટ્રેન દ્વારા પણ પ્રવાસ કર્યો હતો. ઍપ આધારિત કૅબ ઑપરેટર ઓલા, ઉબર અને અન્યોની મોટા ભાગની કૅબ CNG પર ચાલે છે એ ખરું, પણ એમાં પેટ્રોલનો પણ વિકલ્પ હોવાને કારણે કૅબચાલકોએ પેટ્રોલ ભરાવી કૅબ ચલાવી હતી અને એ સમયે તેમનાં ભાડાં પણ ​સ્વિચ કરીને એ પ્રમાણે લીધાં હતાં. મુંબઈગરાઓ આજે પણ એ કૅબ, મેટ્રો અને રેલવે અને શક્ય હોય તો BESTની ઇલે​ક્ટ્રિક બસનો વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.   

PNGની ડોમે​સ્ટિક સપ્લાય ચાલુ, ઇન્ડ​સ્ટ્રિયલ સપ્લાય બંધ  
મહાનગર ગૅસ લિમિટેડ (MGL) દ્વારા કહેવામાં આવ્યું હતું કે લોકોને તકલીફ ન પડે એ માટે લોકોના રસોડામાં વપરાતા પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)ની સપ્લાય ચાલુ રાખવામાં આવી છે, પણ સાથે જ ઇન્ડ​સ્ટ્રિયલ અને કમર્શિયલ યુઝર્સને અલ્ટરનેટિવ ઈંધણ વાપરવા કહેવાયું છે. MGLના જણાવ્યા અનુસાર મુંબઈ અને નવી મુંબઈ મળીને MGLનાં ૩૮૯ CNG-સ્ટેશન છે જેમાંથી ૨૨૫ CNG-સ્ટેશન ચાલુ રહ્યાં હતાં, જોકે પ્રેશર ઓછું હતું. 

હોટેલોને ગૅસ-સિ​લિન્ડર અને ઇન્ડક્શનનો આધાર 
હોટેલોમાં જનરલી CNGvr સપ્લાય થતી હોય છે, પણ એ કમર્શિયલ યુઝર્સ હોવાથી તેમની સપ્લાય રોકી દેવાઈ હતી અને તેમને અન્ય વિકલ્પો વાપરવા જણાવાયું હતું. ઇ​ન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR)ના જનરલ સેક્રેટરી વિજય શેટ્ટીએ કહ્યું હતું કે ~હોટેલોમાં PNGની સપ્લાય બંધ થતાં LPG સિ​લિન્ડર અને ઇન્ડક્શન પર કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. અચાનક ડિમાન્ડ વધી જતાં સિ​લિ​ન્ડર-સપ્લાયર્સ દ્વારા થોડા પૈસા વધુ લેવામાં આવતા હતા.’

કેમ સર્જાઈ આ હાલાકી?
રવિવારે રાતે એક નિવેદન બહાર પાડીને MGLએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF) કમ્પાઉન્ડની અંદર ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (GAIL)ની એક મુખ્ય ગૅસ સપ્લાય પાઇપલાઇનને થર્ડ-પાર્ટી ડૅમેજ થયું હતું. એને કારણે વડાલામાં આવેલા સિટી ગૅસ સ્ટેશન સુધી પહોંચતી સપ્લાયમાં તકલીફ સર્જાઈ હતી. વડાલાનું આ સ્ટેશન મુંબઈમાં ગૅસ-સપ્લાયનું એ​ન્ટ્રિ-પૉઇન્ટ છે. આને કારણે આ હાલાકી સર્જાઈ હતી.

mumbai news mumbai petroleum mumbai transport mumbai traffic mumbai traffic police