ડ્રાઇવર ફરજ પર પાછો ફરતાં રોષે ભરાઈને બસ પર પથ્થરમારો કરનારા સહકર્મચારીની ધરપકડ

29 November, 2021 12:04 PM IST  |  Mumbai | Agency

કર્મચારીઓમાં મતભેદો સર્જાતાં કેટલાક કર્મચારીઓ હડતાળ સમેટીને કામ પર પાછા ફરવા માંડ્યા છે.

થોડા દિવસ પહેલાં આઝાદ મેદાનમાં સ્ટ્રાઇક પર બેસેલા એમએસઆરટીસીના વર્કરો. પ્રદીપ ધિવાર

મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન કૉર્પોરેશનના થાણે જિલ્લાના કલ્યાણ ડેપોમાં કામ કરતા ડ્રાઇવરની કૉર્પોરેશનની બસ પર પથ્થર ફેંકવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.
એમએસઆરટીસીનો કેટલોક સ્ટાફ ૨૮ ઑક્ટોબરથી હડતાળ પર છે અને રાજ્યભરમાં આવેલા એના ૨૫૦ ડેપોની કામગીરી નવમી નવેમ્બરથી પ્રભાવિત થઈ છે. જોકે કર્મચારીઓમાં મતભેદો સર્જાતાં કેટલાક કર્મચારીઓ હડતાળ સમેટીને કામ પર પાછા ફરવા માંડ્યા છે.
પોલીસ-અધિકારીના જણાવ્યા પ્રમાણે શનિવારની પથ્થરમારાની ઘટના પણ સ્ટાફ વચ્ચેના  મતભેદનું જ પરિણામ હતું. એક ડ્રાઇવર શનિવારે બપોરે કલ્યાણ-ભિવંડી રૂટ પર કામ પર પાછો ફરતાં એનો સહ-કર્મચારી વિઠ્ઠલ કેહડેકર રોષે ભરાયો હતો અને કોનગાંવ વિસ્તારમાં તેણે એ ડ્રાઇવરની બસ પર પથ્થર ફેંક્યો હતો. બસનો કાચ તૂટી ગયો હતો. જોકે કોઈને ઈજા થઈ નહોતી એમ અધિકારીએ જણાવ્યું હતું.આઇપીસી અને પ્રિવેન્શન ઑફ ડૅમેજ ટુ પબ્લિક પ્રૉપર્ટી ઍક્ટની જોગવાઈઓ હેઠળ વિઠ્ઠલ કેહડેકર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Mumbai mumbai news