09 March, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ-ગોવા હાઇવે
મુંબઈથી ગોવા તરફ જતા મોટરિસ્ટોએ ખારપાડા અને ખાંબ ટોલબૂથ પર પૈસા ચૂકવવા પડશે. નાગોઠણે અને કોલાડ ખાતેના પુલ પરના કામને બાદ કરતાં પળસ્પેથી ઇન્દાપુર સુધીના હાઇવેના પ્રથમ તબક્કાનું કામ ૧૫ વર્ષ પછી અંતિમ તબક્કામાં પ્રવેશ્યું હોવાથી ટોલબૂથને કાર્યરત કરવા માટે વહીવટી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે.
હાઇવે ઑથોરિટીએ માહિતી આપી છે કે ટોલ-નોટિફિકેશન આગામી અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. મુંબઈ-ગોવા હાઇવેના પ્રથમ તબક્કામાં પળસ્પેથી ઇન્દાપુર સુધીના ૮૪ કિલોમીટરના રોડના ફોર-લેનિંગનું કામ ૨૦૧૧માં શરૂ થઈ ગયું હતું. જોકે ભંડોળનો અભાવ, પર્યાવરણીય પરવાનગી મેળવવામાં મુશ્કેલીઓ, જમીન-સંપાદનમાં મુશ્કેલીઓ અને કૉન્ટ્રૅક્ટરની નિષ્ક્રિયતા જેવાં કારણોસર હાઇવે પરનું કામ પાછું ઠેલાયું હતું. ૧૫ વર્ષ રાહ જોયા પછી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ કામ મે મહિનાના અંત સુધીમાં પૂરું થઈ જશે. કોલાડ અને નાગોઠણેમાં મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે.
વાહનચાલકોને પ્રથમ તબક્કામાં ખારપાડા અને ખાંબ ખાતે ટોલ ચૂકવવો પડશે, જ્યારે બીજા તબક્કામાં પોલાદપુર નજીક લોહારે ખાતે ટોલ વસૂલ કરવામાં આવશે. ખારપાડા અને ખાંબ ખાતે ટોલબૂથના બાંધકામને વેગ મળ્યો છે. ટોલબૂથ પર સિગ્નલ-સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે. હજી સુધી એ સ્પષ્ટ નથી કે ટોલ કેટલો હશે. હાઇવે ઑથોરિટીના વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપી હતી કે આવતા અઠવાડિયે ટોલની સૂચના જાહેર કરવામાં આવશે.
કોકણવાસીઓ જે રીતે ગણપતિમાં વતન જવા ધસારો કરે છે એ પ્રમાણે હોળી (શિમગા) માટે પણ વધતેઓછે અંશે ધસારો થતો હોય છે. શિમગામાં વતનના ગામમાં ગ્રામ્યદેવતાની પાલખી કાઢવામાં આવે છે અને એ દરેકના ઘરે જાય છે જ્યાં ભજન, આરતી અને પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે. વર્ષમા એક વાર ગ્રામ્યદેવતા ઘરે પધારતા હોવાથી મોટા પ્રમાણમાં કોકણવાસીઓ હોળીમાં વતન જાય છે. જોકે હોળી-ધુળેટી (જે બેથી ત્રણ દિવસ ચાલુ રહે છે) પતાવીને હવે પાછા ફરી રહેલા કોકણવાસીઓની મોટી સંખ્યાને કારણે છેલ્લા ૩ દિવસથી ગોવા-મુંબઈ હાઇવે પર માણગાવથી મુંબઈ તરફ ટ્રાફિક જૅમ સર્જાય છે. ગઈ કાલે ૬ કિલોમિટરનો ટ્રાફિક જૅમ સર્જાતાં અનેક મોટરિસ્ટોએ હાડમારી ભોગવવી પડી હતી.