જાવેદ અખ્તરે આરએસએસ સામે કરેલી ટિપ્પણી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ

23 October, 2021 09:42 AM IST  |  Mumbai | Agency

આરએસએસના સમર્થક હોવાનો દાવો કરતાં ફરિયાદી સંતોષ દુબેએ બિનજરૂરી રીતે આરએસએસનું નામ ઉછાળ્યું હોવાનો અને આ ગણતરીપૂર્વક સંગઠનને બદનામ કરવાનું પગલું હોવાનો આક્ષેપ કર્યો હતો.

જાવેદ અખ્તરે આરએસએસ સામે કરેલી ટિપ્પણી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ

ગીતકાર જાવેદ અખ્તરે એક ટીવીઇન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિરુદ્ધ કરેલી ટિપ્પણીના મામલે શહેરના એક વકીલે શુક્રવારે તેમની સામે મુલુંડમાં મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. ૭૬ વર્ષના જાવેદ અખ્તરે ઇન્ટરવ્યુમાં કટ્ટરવાદી હિન્દુ સંગઠનની સરખામણી તાલિબાન સાથે કરી હતી.
આરએસએસના સમર્થક હોવાનો દાવો કરતાં ફરિયાદી સંતોષ દુબેએ બિનજરૂરી રીતે આરએસએસનું નામ ઉછાળ્યું હોવાનો અને આ ગણતરીપૂર્વક સંગઠનને બદનામ કરવાનું પગલું હોવાનો આક્ષેપ કર્યો હતો.
ફરિયાદ અનુસાર આરોપી જાવેદ અખ્તરે આરએસએસ સાથે જોડાયેલા અથવા જોડાવા ઇચ્છતા લોકોને નિરુત્સાહિત કરવા માટે અને આરએસએસને બદનામ કરવા માટે સુઆયોજિત રીતે નિવેદન આપ્યું હતું.
આરોપી સારી રીતે જાણે છે કે આરએસએસ અને તાલિબાનની માનસિકતા, સિદ્ધાંત, ફિલોસૉફી અને વિચારોમાં કે કામગીરીમાં કોઈ સમાનતા નથી; પણ આરએસએસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી આરોપીએ હેતુપૂર્વક અપમાનજનક ટિપ્પણી કરી હતી એમ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
સંતોષ દુબેએ અગાઉ આ અંગે જાવેદ અખ્તર સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મુલુંડ પોલીસે આઇપીસીની કલમ ૫૦૦ હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી.

javed akhtar Mumbai mumbai news