16 April, 2026 07:29 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
નીતેશ રાણે
નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં જાતીય અત્યાચાર અને બળજબરીપૂર્વક ધર્માંતરણના વિવાદ બાદ હવે વધુ એક મોટી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપની ઇન્ફોસિસ ચર્ચામાં છે. પુણેની ઇન્ફોસિસના કૅમ્પસમાં જેહાદી હૅરૅસમેન્ટ થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ એક સોશ્યલ મીડિયા યુઝર દ્વારા લગાવવામાં આવ્યો છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતેશ રાણેને ટૅગ કરીને મદદ માગવામાં આવી હતી જેના પર તેમણે તરત જ રિપ્લાય આપ્યો છે.
યુઝરે દાવો કર્યો હતો કે પુણેની ઇન્ફોસિસ ઑફિસમાં અમુક ચોક્કસ માનસિકતા ધરાવતા લોકો દ્વારા અન્ય કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. યુઝરે આ બાબતને ‘જેહાદી હૅરૅસમેન્ટ’ ગણાવી હતી અને રાજ્ય સરકાર તથા નીતેશ રાણે સમક્ષ હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે.
હિન્દુત્વના મુદ્દા પર અવાજ ઉઠાવવા માટે જાણીતા વિધાનસભ્ય નીતેશ રાણેએ આ ફરિયાદની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે યુઝરને જવાબ આપતાં આશ્વાસન આપ્યું છે કે હું આ બાબતની તપાસ કરીશ અને જો આવું કંઈ થઈ રહ્યું હશે તો એને સાંખી લેવામાં નહીં આવે.
કંપની તરફથી એક નિવેદન સામે આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ""હાલ પૂણેના ઈન્ફોસિસ BPM ખાતે મહિલા કર્મચારીઓને સતામણીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો દાવો કરતી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ વાઇરલ થઈ રહી છે, તે બાબતથી ઈન્ફોસિસ વાકેફ છે. ઇન્ફોસિસ કોઈપણ પ્રકારની સતામણી અથવા ભેદભાવ સામે ઝીરો-ટોલરન્સ અભિગમ જાળવે છે અને તે જે પણ અધિકારક્ષેત્રમાં કામ કરે છે ત્યાં સલામત, સર્વસમાવેશક, સકારાત્મક અને માનભર્યું વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમાં ભંગ પાડનારને દૂર કરવા કંપની પાસે લાગુ કાયદાને અનુરૂપ સુસ્થાપિત નીતિઓ અને મજબૂત પદ્ધતિઓ છે. જે પણ મુદ્દાની જાણ કરવામાં આવે છે તેને ગંભીરતાથી લેવામાં આવે છે અને અમારી મજબૂત પ્રક્રિયાઓ અનુસાર એક જુદી જ કમિટી દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. વધુમાં `સ્પીક-અપ` કલ્ચર સહિત સક્રિય મલ્ટિ-ચેનલ પ્રિવેન્ટીવ પ્રોગ્રામ્સ છે જે કર્મચારીઓને જો કોઈપણ અગવડતા પડતી હોય તો તેની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ઇન્ફોસિસ તેની આચાર સંહિતા સાથે સુસંગત નૈતિકતા, અખંડિતતા અને કાર્યસ્થળના આચરણના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે."