20 November, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસનાં નેતા વર્ષા ગાયકવાડ ગઈ કાલે NCP (SP)ના વડા શરદ પવારને મળ્યાં હતાં અને તેમની સાથે બેઠક કરી હતી
એક બાજુ મહા વિકાસ આઘાડીના સાથી પક્ષ શિવસેના (UBT) બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે મળીને લડવાનો પ્લાન કરી રહી છે એટલે કૉન્ગ્રેસે શિવસેના (UBT)ની સાથે રહીને ચૂંટણી લડવાનું માંડી વાળ્યું છે. બીજી બાજુ કૉન્ગ્રેસ એમના વર્ષો જૂના સાથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને BMCની ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે. એ સંદર્ભે કૉન્ગ્રેસનાં નેતા વર્ષા ગાયકવાડ ગઈ કાલે NCP (SP)ના વડા શરદ પવારને મળ્યાં હતાં અને તેમની સાથે બેઠક કરી હતી.
એ બેઠક બાદ વર્ષા ગાયકવાડે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘અમે શરદ પવારસાહેબ સાથે BMCની ચૂંટણીને લઈને જ ચર્ચા કરી હતી. વર્ષોથી અમે શરદ પવારસાહેબની NCP સાથે ગઠબંધન કરતા આવ્યા છીએ અને આવનારા સમયમાં પણ એ થાય એવી અમારી ઇચ્છા છે. તેમનાં મુંબઈનાં અધ્યક્ષ રાખી જાધવ સાથે પણ અમે આ બાબતે ચર્ચા કરી છે. તેમણે અમને કહ્યું છે કે આવતા અઠવાડિયે બન્ને પક્ષોના જ્યેષ્ઠ નેતાઓની એક બેઠક બોલાવીશું અને એ બેઠકમાં યુતિ બાબતે નિર્ણય લઈશું.’