મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં કૉન્ગ્રેસે વર્ષા ગાયકવાડને ટિકિટ આપી: BJP પૂનમ મહાજનને ​રિપીટ કરશે?

26 April, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીમાં લોકસભાની મુંબઈ નૉર્થ અને મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠક કૉન્ગ્રેસને ફાળવવામાં આવી છે

વર્ષા ગાયકવાડ અને પૂનમ મહાજન

મહારાષ્ટ્રના વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીમાં લોકસભાની મુંબઈ નૉર્થ અને મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠક કૉન્ગ્રેસને ફાળવવામાં આવી છે. આમાંથી મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકમાં કૉન્ગ્રેસનાં મુંબઈનાં અધ્યક્ષ અને સતત ચાર વખત ધારાવીમાંથી ચૂંટાઈ આવેલાં વિધાનસભ્ય વર્ષા ગાયકવાડને ગઈ કાલે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં નસીમ ખાન અને ભાઈ જગતાપ સહિતના કૉન્ગ્રેસના નેતાઓનાં નામની ચર્ચા હતી, પરંતુ પક્ષે વર્ષા ગાયકવાડ પર પસંદગી ઉતારી છે. આ બેઠક પર બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી (BJP)નાં પૂનમ મહાજન સંસદસભ્ય છે. BJPએ હજી સુધી કોઈની ઉમેદવારી જાહેર નથી કરી. ચર્ચા હતી કે કૉન્ગ્રેસ ઉમેદવાર જાહેર કરે ત્યાર બાદ જ BJP નિર્ણય લેશે. આથી BJP ફરી અહીં પૂનમ મહાજનને મોકો આપે છે કે બીજા કોઈને એ જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે ધારાવીમાંથી જ સતત ત્રણ વખત ચૂંટાઈને વિધાનસભ્ય બનેલાં એકનાથ ગાયકવાડનાં પુત્રી પિતા બાદ અહીંથી સતત ચૂંટાઈ આવે છે. તેમણે કૉન્ગ્રેસ મહિલા ​વિન્ગની જવાબદારી સંભાળ્યા બાદ અત્યારે તેઓ મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ છે.

મુંબઈ સાઉથની બેઠક માટે હવે શિવસેના-BJP બન્નેના બબ્બે દાવેદાર

દક્ષિણ મુંબઈની બેઠક માટે BJP અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ બેઠક પરંપરાગત રીતે શિવસેનાની છે એટલે અહીંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ વતી કૉન્ગ્રેસના આ બેઠકના ભૂતપૂર્વ સંસદસભ્ય અને શિંદેસેનામાં સામેલ થયેલા મિલિંદ દેવરા અને શિંદેસેનાના ભૂતપૂર્વ નગરસેવક યશવંત જાધવ કે તેમનાં ભાયખલાનાં વિધાનસભ્ય પત્ની યામિની જાધવનાં નામની ચર્ચા છે તો BJP વતી કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર અને મલબારહિલના BJPના વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢા દ્વારા લોકસભાની ચૂંટણી લડવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ લોકસભા બેઠકમાં સામેલ વિધાનસભાની ૬ બેઠકમાંથી બેBJP, બે ઉદ્ધવ ઠાકરેની સેના, એક કૉન્ગ્રેસ અને એક શિંદેસેના પાસે છે.

varsha gaikwad mumbai mumbai news Lok Sabha Election 2024 congress