કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ હર્ષવર્ધન સપકાળની જીભ લપસી

27 May, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તુંકારે સંબોધ્યા અને બૂંદિયાળ અને ઇ##*ટ કહ્યા

હર્ષવર્ધન સપકાળ

કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ હર્ષવર્ધન સપકાળે ગઈ કાલે નાશિકમાં કાંદાના ખેડૂતોની હાલાકીભરી પરિસ્થિતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમની ફૉરેન પૉલિસીને જવાબદાર ઠેરવ્યાં હતાં. જોકે તેમણે એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બૂંદિયાળ કહ્યા હતા. હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા પાડોશી દેશ બંગલાદેશ, શ્રીલંકા અને ઈરાન સાથેના સંબંધ બગાડી દીધા છે. આ ૩ દેશ આપણે ત્યાંથી બહુ જ મોટા પ્રમાણમાં કાંદા આયાત કરતા હતા. બૂંદિયાળ નરેન્દ્ર મોદીએ તેમની સાથેના સંબંધો બગાડી નાખ્યા છે અને તેમની સાથેની ફૉરેન પૉલિસીઓ પણ બદલી નાખી છે જેને કારણે હવે એ દેશો આપણી પાસેથી કાંદા ખરીદતા નથી. એને કારણે કાંદાનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.’

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર પણ કમેન્ટ કરતાં હર્ષવર્ધન સપકાળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વખોડતાં કહ્યું હતું કે ‘આપણે અહીં રોજ પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલ-પમ્પ પર લાઇન લગાવવી પડે છે ત્યારે મોદીએ લાખો લીટર પેટ્રોલ અને ડીઝલ બંગલાદેશને મોકલાવ્યું છે. આ ઇ##*ટ, કહેવું તો ન જોઈએ પણ એમ છતાં કહીશ કે આ ઇ##*ટએ બંગલાદેશને કહેવું જોઈએ કે જો તમને ડીઝલ જોઈતું હોય તો અમારા કાંદા ખરીદવા પડશે, પણ એમ તેઓ નથી કરી રહ્યા.’ 

જીભ કાપીને હાથમાં આપી દઈશું : નીતેશ રાણે
હર્ષવર્ધન સપકાળે વડા પ્રધાનને ગાળો આપીને તેમનો તુંકારે ઉલ્લેખ કરતાં ભડકેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રધાન નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ શું તને આ જ સંસ્કાર આપ્યા છે? દેશના વડા પ્રધાનને તુંકારે બોલાવે છે ? તારા પોતાના જિલ્લામાં પણ તારી શું ઇજ્જત છે એની અમને જાણ છે. કાંદાના મુદ્દે તારી જીભ જો વધારે સળવળી તો એ કાઢીને હાથમાં આપવાની હિંમત ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોમાં નિશ્ચિત જ છે. હર્ષવર્ધન સપકાળે કાળજી લેવી.’

mumbai news mumbai congress narendra modi janta curfew bharatiya janata party political news indian politics nitesh rane