22 March, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય વડેટ્ટીવાર
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે ગઈ કાલે વિધાનસભામાં ગંભીર આરોપ કરતાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુટકા પર પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાંથી એની મહારાષ્ટ્રમાં તસ્કરી કરવામાં આવે છે અને એની પાછળ અનેક નેતાઓનો હાથ છે.
તેમણે સરકાર પાસે એવી માગણી કરી હતી કે કાં તો ગુજરાતમાંથી આવનારો ગુટકા બંધ કરાવો અથવા તો મહારાષ્ટ્રમાંથી ગુટકા પરનો પ્રતિબંધ દૂર કરી દો. તેમની આ માગણીનો ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અમિત સાટમે જોરદાર વિરોધ કર્યો હતો.
વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘ગુજરાતના માર્ગે મહારાષ્ટ્રમાં કૅન્સર આવી રહ્યું છે. રાજ્યના કોઈ પણ ગામ કે શહેરમાં તમે જાઓ, પાનપટ્ટીની દુકાનોમાં તમને ગુટકા વેચાતા જોવા મળશે. મહારાષ્ટ્રમાં પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ગુટકા વેચાય છે. કોના આશીર્વાદને લીધે આ રૅકેટ ચાલુ છે? મહારાષ્ટ્રના નાગરિકોના આરોગ્યને જોખમમાં નાખનારી આ ટોળીને કોનું સંરક્ષણ મળી રહ્યું છે? આ બિનજામીનપાત્ર ગુનો હોવા છતાં આરોપીઓ છૂટી જતા હોવાથી સરકાર કાયદામાં ફેરબદલ કરવાની છે કે નહીં?’
ગુટકા પરનો પ્રતિબંધ દૂર કરવાની વિજય વડેટ્ટીવારે જે માગણી કરી છે એનો વિરોધ કરતાં અમિત સાટમે કહ્યું હતું કે આ ડિમાન્ડ તો ગુટકા-લૉબીને મદદ કરવા સમાન છે.