21 April, 2025 01:01 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
સંગ્રામ થોપટે
પુણે જિલ્લાની ભોર બેઠક પરથી ત્રણ ટર્મથી વિધાનસભ્ય સંગ્રામ થોપટેએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને મંગળવારે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રવેશ કરશે એવી જાહેરાત ગઈ કાલે કરી હતી. આથી પુણેમાં કૉન્ગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
વિધાનસભ્ય સંગ્રામ થોપટેએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘કાર્યકરોનું કહેવું છે કે હું અનેક વર્ષથી પક્ષનું કામ કરું છું, પણ ક્યારેય પક્ષે યોગ્ય સ્થાન નથી આપ્યું. ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા બાદ વિકાસનાં કામ કર્યાં હોવા છતાં પક્ષના વરિષ્ઠોએ એની કદર નથી કરી. ભોરમાં જરૂરી વિકાસ કરવો હોય તો તમારે બીજા પક્ષમાં જવું જોઈએ. કાર્યકરોની ભાવનાને ધ્યાનમાં રાખીને મેં કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કૉન્ગ્રેસમાં જૂથબાજી ચાલી રહી છે જેને કારણે યોગ્ય નેતાને તક નથી મળતી. મહાયુતિ સરકાર વિકાસના કામને મહત્ત્વ આપી રહી છે એટલે મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં હું પક્ષપ્રવેશ કરીશ.’