21 December, 2025 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસના પાર્ટી-ઇન્ચાર્જ રમેશ ચેન્નિથલાએ ગઈ કાલે મુંબઈમાં એવી જાહેરાત કરી હતી કે પાર્ટી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ પોતાના દમ પર એકલી જ લડશે. ગઈ કાલે યોજાયેલી એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP), એના સાથી-પક્ષો, શિવસેના (UBT) બધાની સામે લડશે.
રાજ્ય સ્તરે કૉન્ગ્રેસ, શિવસેના (UBT) અને NCP (SP)ના ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA)માં આ ભંગાણનું મુખ્ય કારણ રાજ ઠાકરેને માનવામાં આવે છે. પાછલા જુલાઈથી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે નિકટતા વધતી જોવા મળી છે એને કારણે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અનેક નેતાઓએ બન્ને પાર્ટી યુતિ કરીને BMCનું ઇલેક્શન લડશે એવી સંભાવનાઓ જાહેર કરી છે. કૉન્ગ્રેસે પહેલાંથી જ MNS સાથે હાથ મિલાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. અનેક મુદ્દાઓ પર MNSનાં કટ્ટર વલણ અને કટ્ટર ઇમેજ કૉન્ગ્રેસની વિચારધારાથી વિપરીત છે એટલે પાર્ટી રાજ ઠાકરે સાથે યુતિ કરશે નહીં એવું પક્ષના આગેવાનો અનેક વાર કહી ચૂક્યા છે.