18 May, 2026 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના મરીન ડ્રાઇવ પર ૨૦૧૭માં સિગ્નલ તોડીને ૧૭ વર્ષની એક માસૂમ વિદ્યાર્થિનીને અડફેટે લેનારા વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત ડ્રાઇવરને મૅજિસ્ટ્રેટ કોર્ટે દોષી જાહેર કર્યો છે. જોકે આ ગુનામાં મહત્તમ બે વર્ષની જેલની સજાની જોગવાઈ હોવા છતાં કોર્ટે આરોપીની મોટી ઉંમર અને સ્વચ્છ રેકૉર્ડને ધ્યાનમાં રાખીને માત્ર ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારીને છોડી મૂક્યો છે. કોર્ટના આ નરમ વલણથી ટીનેજરના પિતાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ઘટનાની વિગત મુજબ ૨૦૧૭ની ૨૮ મેએ ૧૭ વર્ષની નિધિ જેઠમલાણી કૉલેજ જઈ રહી હતી ત્યારે મરીન ડ્રાઇવ પર વેસ્ટર્ન રેલવેની એક સરકારી કારે સિગ્નલ તોડીને ઝીબ્રા ક્રૉસિંગ પર તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સમયે આ કાર રેલવેના કમિશનરની હતી અને આરોપી પી. નારાયણસામી એને ચલાવી રહ્યા હતા. અકસ્માત બાદ નિધિને એ જ કારમાં હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તે ત્યારથી અત્યાર સુધી કોમામાં છે અને પથારીવશ છે.
MACTએ ૧.૫ કરોડ રૂપિયા દંડ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો
આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૧માં મોટર ઍક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (MACT)એ પીડિત પરિવારને ૭૦ લાખ રૂપિયાથી વધુનું વળતર અને વ્યાજ સાથે કુલ આશરે ૧.૫ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે આ મામલે રેલવે તંત્ર દ્વારા હાઈ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને રેલવેએ પાંચ કરોડ રૂપિયાના વન-ટાઇમ સેટલમેન્ટની દરખાસ્તનો ઇનકાર કરી દીધો છે. દીકરીની આવી લાચાર સ્થિતિ વચ્ચે ગુનેગારને માત્ર સામાન્ય દંડ સાથે છોડી મૂકવામાં આવતાં ટીનેજરના પરિવારે નિરાશા વ્યક્ત કરી છે.