27 December, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુધવારે મયૂર શિંદે સહિત થાણેના કેટલાક આગેવાનોએ BJPમાં પ્રવેશ કર્યો હતો.
અનેક ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા મયૂર શિંદેને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના પક્ષમાં પ્રવેશ આપ્યો હોવાથી થાણેમાં રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. મયૂર શિંદેને BJPના વિધાનસભ્ય સંજય કેળકર અને નિરંજન ડાવખરે, થાણે-BJP પ્રમુખ સંદીપ લેલે અને બીજા પાર્ટી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
મૂળ ભાંડુપના મયૂર શિંદેનું નામ મુંબઈ અને થાણેમાં હત્યા અને ખંડણી સહિતના અનેક ક્રિમિનલ કેસોમાં સંડોવાયેલું છે. પોલીસ-કાર્યવાહી પછી અગાઉ મયૂર શિંદેને મુંબઈમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો એટલે તેણે થાણેમાં પોતાનો ડેરો નાખ્યો હતો. ૨૦૨૩માં સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલાં પણ મયૂર શિંદેએ પૉલિટિક્સમાં એન્ટ્રી માટે પ્રયાસ કર્યો હતો. ૨૦૧૭માં તેણે મ્યુનિસિપલ ઇલેક્શન માટે શિવસેનાની ટિકિટ માગી હતી, પણ નહોતી મળી. જોકે થોડા દિવસો પહેલાં જ થાણેમાં મયૂર શિંદે BJPમાં જોડાઈ રહ્યો હોવાની જાહેરાતો કરતાં પોસ્ટરો અને બૅનરો દેખાયાં હતાં. આ જાહેરાતને કારણે BJPએ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો એટલે મયૂર શિંદેની એન્ટ્રી થોડા સમય માટે મુલતવી રહી હતી. જોકે આ બુધવારે તેને પાર્ટીમાં ઑફિશ્યલી એન્ટ્રી મળી ગઈ હતી. અહેવાલો પ્રમાણે મયૂર શિંદે થાણેમાં સાવરકરનગર વિસ્તારના વૉર્ડ-નંબર ૧૪થી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે.
વિપક્ષી પાર્ટીઓએ BJPના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. એનો જવાબ આપતાં BJPના સંદીપ લેલેએ કહ્યું હતું કે ‘મયૂર શિંદે સામે કેસ નોંધાયેલા છે પણ તેમને કોર્ટ દ્વારા છોડી દેવામાં આવ્યા છે. કેટલાક કેસો હજી પણ પેન્ડિંગ છે. BJPના એક સામાન્ય કાર્યકર તરીકે તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ તેમને કોઈ પદ આપ્યું નથી કે ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા નથી.’
MNSના ભૂતપૂર્વ નેતા પ્રકાશ મહાજન ગઈ કાલે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા હતા. આને ઇલેક્શન પહેલાં MNS માટે આંચકો માનવામાં આવે છે. પ્રકાશ મહાજન ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્વર્ગસ્થ નેતા પ્રમોદ મહાજનના ભાઈ છે અને તેમણે MNS થોડા સમય પહેલાં જ છોડી દીધી હતી.