06 November, 2025 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં રહેતા એક ગુજરાતી પરિવારના ઘરેથી ૧૯ લાખ રૂપિયાના દાગીના સેરવી લેવાના આરોપસર કાંદિવલી પોલીસે ૩૨ વર્ષની કુલદીપ ગિલની મંગળવારે ધરપકડ કરી હતી. ગુજરાતી પરિવાર દિવાળી વેકેશનમાં માથેરાન ફરવા ગયો ત્યારે તેમની ગેરહાજરીમાં રસોઈ બનાવવાનું કામ કરતી કુલદીપે ડુપ્લિકેટ ચાવીથી ઘરમાં પ્રવેશીને ચોરી કરી હોવાનું ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં દેખાઈ આવ્યું હતું. આરોપી મહિલા પાસેથી પોલીસે કેટલાક દાગીના રિકવર કર્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
કાંદિવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૦ ઑક્ટોબરે ફરિયાદી પરિવારના ઘરે પ્રોગ્રામ હોવાથી ઘરની મહિલાઓએ વૉર્ડરોબમાં રાખેલા દાગીના પહેરવા કાઢ્યા ત્યારે આશરે ૧૯ લાખ રૂપિયાના દાગીના ઘરમાં મળી આવ્યા નહોતા. ત્યાર બાદ ઘરમાં શોધ્યા પછી પણ દાગીના ન મળી આવતાં ચોરાયા હોવાની ખાતરી થતાં ફરિયાદી પરિવારે તેમની સોસાયટીમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં. એ ફુટેજમાં તેઓ દિવાળીની રજામાં માથેરાન ફરવા ગયા ત્યારે તેમના ઘરે રસોઈ બનાવવાનું કામ કરતી કુલદીપ તેમના બિલ્ડિંગમાં જતી દેખાઈ હતી. કુલદીપ એ બિલ્ડિંગમાં ફરિયાદી સિવાય કોઈના ઘરે કામ ન કરતી હોવાથી ચોરીમાં કુલદીપનો જ હાથ હોવાની શંકાના આધારે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. આ માહિતીના આધારે અમે કુલદીપની ધરપકડ કરી છે. ચોરી તેણે જ કરી હોવાની કબૂલાત તપાસમાં કરી છે. આ કેસમાં રિકવરી માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.’