બહારગામની ટ્રેન આવવાના સમયે કૂલીઓ કરી દે છે એસ્કેલેટર્સ બંધ?

08 August, 2022 10:21 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પ્રવાસીઓને એવી શંકા હોવાથી રેલવેને કરવામાં આવી ફરિયાદ

બંધ એસ્કેલેટર

બોરીવલી સ્ટેશને અનેક વખત મેલ-એક્સપ્રેસ આવવાની તૈયારીમાં હોય ત્યારે જ અચાનક પ્લૅટફૉર્મ પરનાં એસ્કેલેટર બંધ પડી જતાં હોવાનું બહાર આવ્યું છે. આ એસ્કેલેટર બંધ પડવા પાછળ કંઈ ગોલમાલ છે કે કેમ એ વિશે રેલવેએ તપાસ કરવી જોઈએ એવી માગણી પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

તાજેતરમાં આવા બનાવનો અનુભવ કરનાર કાંદિવલીના ઠાકુર વિલેજમાં રહેતા સૉફ્ટવેર એન્જિનિયર આશિષ જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારાં મમ્મી રાજસ્થાનથી જયપુર સુપરફાસ્ટ મેલમાં આવી રહ્યાં હતાં. મમ્મી આ મેલના બી-ટૂ કોચમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. મમ્મી પાસે સામાન હોવાથી હું થોડા સમય પહેલાં જ જઈને પ્લૅટફૉર્મ નંબર-૭ પર ઊભો રહી ગયો હતો. ટ્રેન આવવાનો સમય ૫.૫૬ વાગ્યાનો હતો, પરંતુ ટ્રેન મોડી હોવાથી ૬.૨૦ વાગ્યે આવી હતી. હું પોણો કલાકની આસપાસથી એક જ જગ્યાએ પ્લૅટફૉર્મ પર ઊભો હતો અને ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. મારાં મમ્મી પ્રવાસ કરી રહ્યાં હતાં એ મેલ પ્લૅટફૉર્મ પર આવવાની અમુક મિનિટ પહેલાં ત્યાં લોકલ ટ્રેન આવી હતી. ત્યાં સુધી એસ્કેલેટર એકદમ બરાબર ચાલી રહ્યાં હતાં. મેલ આવતાંની સાથે જ આ એસ્કેલેટર અચાનક બંધ પડી ગયાં હતાં અને સામાન ઊંચકનારા કૂલીઓ બેફામ રીતે મેલ ટ્રેનના કોચમાં ઘૂસી ગયા હતા. એસ્કેલેટર બંધ હોવાથી સામાન પ્લૅટફૉર્મ પરથી રેલવે બ્રિજ પર લઈ જવો મુશ્કેલ હતું. જ્યારે ત્યાં જ આવેલું ઊતરવા માટેનું એસ્કેલેટર બરાબર ચાલી રહ્યું હતું. આ તો મારો જાતઅનુભવ થયો અને એસ્કેલેટર સાથે ચેડાં કરવામાં આવ્યાં હોય એવું ચોક્કસ લાગી રહ્યું હતું.’

આ સમસ્યા પ્રવાસીઓને ખૂબ હેરાન કરે છે એમ જણાવીને સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશનના સેક્રેટરી નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સમસ્યા ખૂબ જટિલ બનતી જઈ રહી છે. એમ છતાં રેલવે તંત્ર એના પર ધ્યાન આપતું નથી. આ મુદ્દે ફરી અમે રેલવે તંત્ર સુધી પહોંચવાના છીએ અને ખુલ્લેઆમ પ્રવાસીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે એને બંધ કરવાના પ્રયત્ન કરીશું.’

સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશનના જૉઇન્ટ સેક્રેટરી હિમાંશુ બક્ષીએ કહ્યું હતું કે ‘પ્રેગ્નન્ટ મહિલાઓ અને વૃદ્ધો એસ્કેલેટર બંધ હોવાથી કેવી રીતે ચડી શકે એવું આ લોકોએ વિચારવું જોઈએ. પ્લૅટફૉર્મ પર રહેલી લિફ્ટમાં જવા પણ લાઇન હોય છે અને એ થોડી દૂર હોય છે, જ્યારે એસ્કેલેટર પાસે જ હોવાથી પ્રવાસીઓને સારી સુવિધા મળે છે.’

રેલવેનું શું કહેવું છે?
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ વિશે સંબંધિત વિભાગને તપાસ કરવાનું કહેવામાં આવશે. 

mumbai mumbai news borivali preeti khuman-thakur