નાઇજીરિયાથી કમાયેલી જિંદગીભરની મૂડી સાઇબર ફ્રૉડમાં થઈ ગઈ સ્વાહા

28 August, 2026 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

KYC અપડેટ કરાવવાના નામે ઘાટકોપરના દંપતી સાથે થઈ ૧,૬૮,૩૧,૯૫૫ રૂપિયાની છેતરપિંડી, બૅન્ક-ખાતાંઓ ફ્રીઝ

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-વેસ્ટમાં રહેતા ૭૭ વર્ષના નિવૃત્ત નાગરિક અને તેમનાં ૬૯ વર્ષનાં પત્નીને બૅન્ક-ખાતાનું નો યૉર કસ્ટમર (KYC) અપડેટ કરવાના નામે ઝાંસો આપીને ઠગોએ તેમની આખી જિંદગી નાઇજીરિયામાં રહીને મહેનતથી કમાયેલા ૧,૬૮,૩૧,૯૫૫ રૂપિયા ઑનલાઇન છેતરપિંડી કરીને પડાવી લીધા હતા. આ મામલે ગઈ કાલે ઈસ્ટર્ન સાઇબર સેલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સાઇબર ગઠિયાએ પોતે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના હ્યુમન રિસોર્સિસ (HR) વિભાગમાંથી વિક્રમ શર્મા બોલી રહ્યો હોવાનો દાવો કરીને દંપતી પાસેથી વૉટ્સઍપ પર પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) કાર્ડ અને આધાર કાર્ડના ફોટો મેળવ્યા હતા. ત્યાર બાદ દંપતીની જાણ બહાર જ બૅન્કમાં મૂકેલી તેમની ફિક્સ્ડ ડિપોઝિટ્સ (FD) સમય પહેલાં તોડીને નાણાં અન્ય ખાતાંઓમાં ટ્રાન્સફર કર્યાં હતાં અને ઑટોમેટેડ ટેલર મશીન (ATM) દ્વારા ઉપાડી લીધાં હતાં. આ કેસમાં સાઇબર સેલે સંબંધિત તમામ બૅન્ક-ખાતાં ફ્રીઝ કરી દીધાં છે.

mumbai news mumbai ghatkopar cyber crime mumbai police