ગુજરાતી વકીલને અશ્લીલ વિડિયો મોકલવાના આરોપસર કોર્ટના ક્લર્કની ધરપકડ

26 April, 2026 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલીની યુવતીએ માનસિક તાણ બાદ ફરિયાદ નોંધાવી

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલીના ચારકોપમાં રહેતી ૨૧ વર્ષની ગુજરાતી વકીલ યુવતીને અશ્લીલ ફોટો અને વિડિયો મોકલવાના આરોપસર ચારકોપ પોલીસે ૪૩ વર્ષના દિલીપ આશરની શુક્રવારે ધરપકડ કરી હતી. દિલીપ આશરે મોકલેલા અશ્લીલ વિડિયો અને મેસેજને કારણે યુવતી ભારે માનસિક દબાણમાં આવી ગઈ હતી અને એને પરિણામે તેણે પોતાની ઇન્ટર્નશિપ છોડી દીધી હતી. અંતે યુવતીએ પોતાની સાથે થયેલી સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી દીધી હતી. એ પછી પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે યુવતીએ રજૂ કરેલા ડિજિટલ પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચારકોપ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવતીએ કાંદિવલીના એક જાણીતા વકીલ પાસે થોડા વખત પહેલાં ઇન્ટર્નશિપની શરૂઆત કરી હતી. છેલ્લા ૬ મહિનાથી નિયમિત નજીકની એક કોર્ટમાં હાજરી આપતી હોવાથી તેની ઓળખ કોર્ટમાં ક્લર્ક તરીકે કામ કરતા દિલીપ આશર સાથે થઈ હતી. કોર્ટના કામ દરમ્યાન યુવતીએ તેને પોતાનો મોબાઇલ-નંબર આપ્યો હતો. ગયા અઠવાડિયે દિલીપ આશરે યુવતીને વૉટ્સઍપ મારફત અશ્લીલ ફોટો અને વિડિયો મોકલ્યા હતા. એ પછી યુવતીએ તરત પોતાના સિનિયર વકીલને આ બાબતે જાણ કરીને ઇન્ટર્નશિપ પર જવાનું બંધ કર્યું હતું. એ પછી ક્લર્કનો સંપર્ક તોડી નાખ્યો હતો અને તેને બ્લૉક કરી દીધો હતો. ઘરે સતત ત્રણ-ચાર દિવસથી માનસિક તાણમાં રહેતાં યુવતીના પપ્પાએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના જણાવી હતી. ત્યાર બાદ પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પોતાની પાસે રહેલા તમામ ડિજિટલ પુરાવા રજૂ કર્યા છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai kandivli mumbai crime news Crime News