17 March, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિતેશ મહેતા (ડાબે)એ ૧૨૨ કરોડ રૂપિયામાંથી ૭૦ કરોડ રૂપિયા ધર્મેશ પૌન (વચ્ચે) અને ૪૦ કરોડ રૂપિયા અરુણભાઈને આપ્યા હોવાનો આરોપ છે.
કોર્ટે ઉન્નથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઈને આપી સોમવાર સુધીની કસ્ટડી : તેમણે આ રૂપિયાનું શું કર્યું એની પોલીસ કરી રહી છે તપાસ
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડમાં મુખ્ય આરોપી હિતેશ મહેતાએ ૭૦ કરોડ રૂપિયા જેને આપ્યા હોવાનું કહેવાય છે તે ધર્મેશ પૌનની તો આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ગયા મહિને જ ધરપકડ કરી લીધી હતી. જોકે આ કેસમાં જેને ૪૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે એ મલાડના બિઝનેસમૅન ઉન્નથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઈ અત્યાર સુધી વૉન્ટેડ હતા. જોકે ગઈ કાલે સવારે ૬૨ વર્ષના આ બિઝનેસમૅને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે તેમને કોર્ટમાં હાજર કરતાં આવતી કાલ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આ પહેલાં EOWએ તેમના પુત્ર મનોહર અરુણાચલમની ધરપકડ કરી હતી.
બૅન્કના ભૂતપૂર્વ જનરલ મૅનેજર અને અકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતાએ આપેલા રૂપિયાનું અરુણભાઈએ શું કર્યું એની વિગત મેળવવાની હવે પોલીસ કોશિશ કરવાની છે. આ કેસમાં હવે બીજા કોઈ સામેલ છે કે નહીં એની પણ EOW દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ૧૧ માર્ચે મુખ્ય આરોપી હિતેશ મહેતાની લાઇ ડિટેક્શન ટેસ્ટ કરી હતી જેનો રિપોર્ટ આજે કોર્ટને સુપરત કરવામાં આવશે. કાલિનામાં આવેલી ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)માં હિતેશ મહેતાને ૫૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
કેસમાં અત્યાર સુધી કોની ધરપકડ કરવામાં આવી છે?
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડમાં EOWએ અત્યાર સુધીમાં બૅન્કના જનરલ મૅનેજર અને અકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતા, કાંદિવલીના બિલ્ડર ધર્મેશ પૌન, બૅન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અભિમન્યુ ભોઅન અને મલાડના બિઝનેસમૅન ઉન્નથન અરુણાચલમના પુત્ર મનોહર અરુણાચલમ, સિવિલ કૉન્ટ્રૅક્ટર કપિલ દેઢિયા અને ગઈ કાલે ઉન્નથન અરુણાચલમની ધરપકડ કરવામાં આવી છે. RBIએ બૅન્કના કારભાર પર ૧૪ ફેબ્રુઆરીથી રોક લગાવી દીધી હતી.