04 January, 2026 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે સિટી સિવિલ કોર્ટે વિક્રોલીમાં ગોદરેજ અને બૉય્સની એક જમીનને સ્લમ એરિયા તરીકે વર્ણવતું સરકારી નોટિફિકેશન રદ કર્યું છે. આ આખો વિવાદ ૧૯૭૮માં શરૂ થયો હતો જ્યારે ડેપ્યુટી કલેક્ટરે ગોદરેજ એસ્ટેટના ૭૮૫૦ સ્ક્વેર મીટર (લગભગ બે એકર) જેટલા વિસ્તારને સ્લમ તરીકે જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ગોદરેજ ઍન્ડ બૉય્સે આ નોટિફિકેશનને કોર્ટમાં પડકાર્યું હતું. આ જમીન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં કંપની દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. અહીં લોકોની જે નાની વસાહત હતી એ ઝૂંપડપટ્ટી નહોતી, પણ બહારથી આવતા મજૂરો માટે ટ્રાન્ઝિટ કૅમ્પ હતા એવી કંપનીએ દલીલ કરી હતી. ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે રહેવાસીઓને કંપની દ્વારા જ બાંધકામ-સામગ્રી પૂરી પાડવામાં આવતી હતી અને કોઈ ભાડું વસૂલવામાં આવતું નહોતું.
માલિક કોણ?
બૉમ્બે સિટી સિવિલ કોર્ટે સ્લમ એરિયા ગણવાના નોટિફિકેશનને રદ કરવાનો આદેશ આપ્યો, પણ આ જમીનનો માલિક કોણ ગણાશે એ મહત્ત્વના પ્રશ્નનો હજી નિર્ણય થઈ શક્યો નથી. કંપનીએ એવા આરોપ લગાવ્યા હતા કે ‘સ્થાનિક કાર્યકરો અને અમુક સંગઠનોએ આ જમીન પર અતિક્રમણ કર્યું હતું અને અહીં રહેતા મજૂરોને એવાં ખોટાં વચન આપી રહ્યા હતા કે સરકાર તેમને આ જમીનની માલિકી આપશે.’ કોર્ટે આવા કાર્યકરોને વિવાદિત એરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો.