સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન રદ થતાં નીતેશ રાણે જશે હાઈ કોર્ટમાં

31 December, 2021 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કણકવલી પોલીસ નીતેશ રાણેને શોધી રહી છે જે હાલ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા

નીતેશ રાણે

સિંધુદુર્ગ જિલ્લા બૅન્કના અધ્યક્ષ સતીશ સાવંતના નિકટવર્તી સંતોષ પરબ પર થયેલા હુમલાના સંદર્ભે કણકવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા ધરપકડ ટાળવા નીતેશ રાણેએ કરેલી​ આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. એથી હવે તેમના વકીલ સંગ્રામ દેસાઈએ કહ્યું હતું કે ‘અમારી પાસે હાઈ કોર્ટમાં અપીલ કરવાનો માર્ગ ખુલ્લો છે. અમે હાઈ કોર્ટમાં અપીલ કરીશું. મોટા ભાગે અમે આવતી કાલે જ અ​પીલ કરીશું, પણ બોર્ડ પર (સુનાવણી માટે) આવતાં એને બેથી ત્રણ દિવસ લાગશે. નીતેશ રાણેએ અત્યાર સુધી પોલીસને સહકાર આપ્યો છે તો આગળ પણ આપશે.’ 
બીજી તરફ કણકવલી પોલીસ નીતેશ રાણેને શોધી રહી છે જે હાલ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે. સેશન્સ કોર્ટે નીતેશ રાણેની આગોતરા જામીનની અરજી ફગાવી ત્યારે કણકવલીમાં ભાજપના કાર્યકરો અને શિવસેનાના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને તંગદિલી વ્યાપી ગઈ હતી. જોકે આવું બની શકે એનો અંદાજ પહેલેથી જ પોલીસને હતો એટલે કણકવલીમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી. 
જોકે અત્યારે નીતેશ રાણેના મુદ્દે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે રીતસરના જંગ મંડાણ થઈ ગયા છે. સરકાર અને વિપક્ષ બંને તરફથી એકધારા આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે.

mumbai mumbai news mumbai high court nitesh rane