07 November, 2026 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરારના ગીચ વિસ્તારમાં ફટાકડાની ગેરકાયદે ફૅક્ટરી પકડાઈ
વિરાર-ઈસ્ટના ચંદનસારમાં અત્યંત ગીચ રહેણાક વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે ફટાકડા બનાવવાની એક ફૅક્ટરી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ટૂ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. જાણીતી મર્ચન્ટ ફટાકડા શૉપના ઉપરના બે માળ પર આ યુનિટ ચાલી રહ્યું હતું, જ્યાં પ્રખ્યાત બ્રૅન્ડ્સના નામે નકલી ફટાકડા બનાવવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ચંદનસારમાં આવેલી મર્ચન્ટ શૉપ હોલસેલ ભાવે બ્રૅન્ડેડ ફટાકડા વેચવા માટે જાણીતી છે. જોકે એ દુકાનના પહેલા અને બીજા માળે ગેરકાયદે ઉત્પાદન ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમ્યાન બન્ને માળ પર સક્રિય રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ૧૭ વર્કર્સને કામ કરતા ઝડપી લીધા હતા તેમ જ મોટા જથ્થામાં વિસ્ફોટક કેમિકલ્સ, કાચો માલ અને મશીનરી જપ્ત કર્યાં હતાં. આ ઉત્પાદન અત્યંત જોખમી અને બેદરકારીપૂર્વક કરવામાં આવી રહ્યું હતું. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારની બરાબર વચ્ચે આ ફૅક્ટરી ચાલતી હોવાથી સામાન્ય લોકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો હતો. સહેજ પણ બેદરકારીથી જો આગ કે વિસ્ફોટ થયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. જપ્ત કરાયેલાં કેમિકલ્સ અને સામગ્રીની તપાસ ચાલી રહી છે. આ ગેરકાયદે રૅકેટમાં અન્ય કઈ વ્યક્તિઓ સંડોવાયેલી છે અને આ નકલી ફટાકડા ક્યાં સપ્લાય કરવામાં આવતા હતા એ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.