ચોરની કી ઝપ્પી

05 October, 2022 09:43 AM IST  |  Mumbai | Samiullah Khan

મલાડ પોલીસે કીમતી ચીજો ચોરવા માટે વૃદ્ધને ભેટતી ગીતા પટેલની કરી ધરપકડ : આ મુન્નાભાઈ પદ્ધતિથી તેણે અનેક વૃદ્ધોને લૂંટી લીધા હતા

આરોપી ગીતા પટેલ સોમવારે મીરા રોડથી ઝડપાઈ ગઈ હતી

એક લાખ રૂપિયાના મૂલ્યની સોનાની ચેઇન ચોરવા માટે વૃદ્ધને ભેટનારી મહિલાની મલાડ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. પોલીસનાં સૂત્રોએ જણાવ્યા મુજબ તેણે આ જ પદ્ધતિથી અનેક વૃદ્ધોને લૂંટ્યા છે. 

આરોપી ગીતા પટેલ મોટા ભાગે ચાલવા માટે એકલા નીકળતા વૃદ્ધોને લૂંટતી હોય છે. તેણે લિફ્ટ લેવાના બહાને રિક્ષામાં પ્રવાસ કરનારાઓને પણ લૂંટ્યા છે. એક વાર તેઓ તેનાથી આકર્ષિત થાય પછી ગીતા તેમને બહેકાવવાની કોશિશ કરતી અને પછી તેમનો આભાર માનવા તેમના ગળે મળી તેમની પાસેની કીમતી ચીજો લૂંટી લેતી હતી. 

ગીતા પટેલ છેલ્લા બે મહિનાથી આ  પ્રકારે મલાડના સિનિયર સિટિઝનોની સોનાની ચેઇન લૂંટી રહી છે. ઑગસ્ટમાં ૭૨ વર્ષના વૃદ્ધ ખરીદી કરીને ઑટોમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગીતા પટેલે લિફ્ટ માગી અને લિફ્ટ મળ્યા બાદ એક બિલ્ડિંગની પાસે રિક્ષા ઊભી રખાવી આભાર માનવાના ઓઠા હેઠળ વૃદ્ધને ગળે મળી તેમની સોનાની ચેઇન સેરવી લીધી હતી. પોતાના બિલ્ડિંગમાં પહોંચ્યા બાદ વૃદ્ધને એની જાણ થતાં બીજા દિવસે તેમણે મલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસતપાસમાં ગીતા પટેલને ચોરીની આદત હોવાનું તથા તેણે ચારકોપ, મલાડ, બોરીવલી, મીરા રોડ અને અન્ય સ્થળોએ આ જ પ્રકારના ગુના કર્યા હોવાનું જણાયું હતું. 

ગીતા પટેલને સોમવારે મીરા-ભાઈંદરથી પકડીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી, જ્યાં તેને પોલીસ-કસ્ટડીમાં સોંપવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.  

mumbai mumbai news Crime News mumbai crime news malad mumbai police samiullah khan