Cruise ship raid case: NCBએ આર્યનના ડ્રગ સંબંધિત વોટ્સએપ ચેટ કોર્ટમાં રજૂ કર્યા, આજે જામીન અરજી પર સુનાવણી

20 October, 2021 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NCBનું કહેવું છે કે, પોલીસને ડ્રગ સંબંધિત વોટ્સએપ ચેટ્સ કથિત રીતે આર્યન અને એક ડેબ્યુ અભિનેત્રી વચ્ચે મળી છે.

આર્યન ખાન. ફાઇલ તસવીર

મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીઓ હજી યથાવત છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આર્યન પર પકડ કડક કરી રહી છે. હવે તપાસ એજન્સીએ કહ્યું છે કે તેણે આર્યનની વોટ્સએપ ચેટ્સ કોર્ટમાં રજૂ કરી છે.

NCBનું કહેવું છે કે, પોલીસને ડ્રગ સંબંધિત વોટ્સએપ ચેટ્સ કથિત રીતે આર્યન અને એક ડેબ્યુ અભિનેત્રી વચ્ચે મળી છે. હાલ આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. NCBએ તેને અન્ય ઘણા લોકો સાથે જહાજમાંથી પકડ્યો હતો.

અહેવાલો અનુસાર, જેલ સત્તાવાળાઓએ આર્યનની સુરક્ષા વધારી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યનને ખાસ બેરેકમાં લઈ જવામાં આવ્યો છે અને અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. તે જેલની અંદર ડ્રગ કેસમાં અન્ય આરોપીઓ સાથે વાત કરી રહ્યો નથી અને તેમને મળતો નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યન જેલની સ્થિતિ અને ત્યાંના ભોજનને અનુકૂળ થવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આ જ કારણ છે કે સત્તાવાળાઓ તેના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે ચિંતિત છે. અગાઉ જેલ અધિક્ષક નીતિન વાયચલે પુષ્ટિ કરી હતી કે આર્યનને 11 ઑક્ટોબરે જેલની અંદર 4500 રૂપિયાનો મની ઓર્ડર મળ્યો હતો, જે તેના પિતા શાહરુખ ખાને મોકલ્યો હતો.

એટલું જ નહીં, અહેવાલો અનુસાર, આર્યને ભૂતકાળમાં NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને વચન આપ્યું હતું કે તે સારું કામ કરશે અને એક દિવસ તેને તેના પર ગર્વ થશે. આર્યને એજન્સીને વચન પણ આપ્યું હતું કે જેલમાંથી બહાર આવ્યા બાદ તે એક સારો વ્યક્તિ બનશે અને આર્થિક રીતે નબળા લોકોને મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈની વિશેષ અદાલત આજે બપોરે 2.45 વાગ્યે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરવાની છે.

mumbai mumbai news aryan khan