25 May, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)માં રીડેવલપમેન્ટનું કામ શરૂ થવાનું હોવાથી ૨૯ મેથી ૧૦ દિવસ સુધી અહીંથી ઊપડતી અને અહીં પૂરી થતી એક્સપ્રેસ ટ્રેનો દાદર અને થાણેથી ઊપડશે અને ટર્મિનેટ થશે. રેલવે પ્રશાસન દ્વારા પૅસેન્જર્સને નવા ટાઇમટેબલ પ્રમાણે તેમના પ્રવાસનું આયોજન કરવાની વિનંતી કરવામાં આવી છે.
પ્લૅટફૉર્મ-નંબર ૧૬ અને ૧૭નું મૉડર્નાઇઝેશન કરવા માટે કામ શરૂ થવાનું હોવાથી અહીંથી ઑપરેટ થતી એક્સપ્રેસ ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફાર થશે. રેલ લૅન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (RLDA) દ્વારા પ્લૅટફૉર્મના મૉડર્નાઇઝેશનનું કામ હાથ ધરવામાં આવશે. ૨૯ મેથી શરૂ થનારો બ્લૉક ૧૦ દિવસ સુધી રહેશે. આ દરમ્યાન CSMT આવતી અને ઊપડતી ટ્રેનોને દાદર અને થાણે પર શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
આ ટ્રેનો થશે શૉર્ટ ટર્મિનેટ
ટ્રેન-નંબર ૧૨૧૧૨ અમરાવતી-CSMT એક્સપ્રેસ, ટ્રેન-નંબર ૧૧૦૦૨ નંદિગ્રામ-CSMT એક્સપ્રેસ, ટ્રેન-નંબર ૧૨૮૧૦ હાવડા-CSMT એક્સપ્રેસ, ટ્રેન-નંબર ૧૧૦૨૦ ભુવનેશ્વર-કોણાર્ક એક્સપ્રેસ, ટ્રેન-નંબર ૨૨૧૪૪ બીડર-CSMT એક્સપ્રેસ, ટ્રેન-નંબર ૨૨૧૦૮ લાતુર- CSMT એક્સપ્રેસ અને ટ્રેન-નંબર ૨૨૧૨૦ મડગાંવ- CSMT તેજસ એક્સપ્રેસ. આ બધી જ ટ્રેનોને દાદર પર શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે ટ્રેન-નંબર ૧૨૧૩૪ મૅન્ગલુરુ- CSMT એક્સપ્રેસને થાણે પર શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.