ટાર્ગેટ ૨૫ લાખનું, ભેગા થયા ૨૦ લાખ

24 October, 2021 08:07 AM IST  |  Mumbai | Rohit Parikh

અવિઘ્ન પાર્કની આગમાં મરણ પામનાર વૉચમૅન અરુણ તિવારીના પરિવાર માટે આટલું ફંડ કલેક્ટ કરાયું છે

સિક્યૉરિટી ગાર્ડ અરુણ તિવારી

કરી રોડની બહુમાળી ઇમારત અવિઘ્ન પાર્કમાં શુક્રવારે બપોરે પોણાબાર વાગ્યે ૧૯મા માળના માઝગાંવના એક કાપડના વેપારીના ફ્લૅટમાં લાગેલી આગમાં રહેવાસીઓને બચાવવા ૧૯મા માળે પહોંચેલા ૩૦ વર્ષના સિક્યૉરિટી ગાર્ડ અરુણ તિવારીનું ૧૯મા માળેથી નીચે પટકાઈ જતાં મોત થયું હતું. આગ બુઝાયા પછી રહેવાસીઓએ માનસિક તાણમાંથી બહાર આવતાં સૌથી પહેલાં અરુણ તિવારીને શ્રદ્ધાંજલિ આપવાનું અને અરુણ તિવારીની માતા અને તેના ભાઈને સહાયરૂપ થવા માટે ફન્ડ જમા કરવાનું શરૂ કર્યું હતું. ગઈ કાલે સાંજના ૭.૩૦ વાગ્યા સુધીમાં અરુણ તિવારીનાં માતા અને ભાઈના સહાય ફન્ડમાં અંદાજે વીસ લાખ રૂપિયાની રકમ જમા થઈ ગઈ હતી. અવિઘ્ન પાર્કના મેમ્બરોએ સહાય ફન્ડનો ટાર્ગેટ ૨૫ લાખ રૂપિયાનો અત્યારે નક્કી કર્યો છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ગામનો અરુણ તિવારી પાંચ વર્ષ પહેલાં જ અવિઘ્ન પાર્કમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે જોડાયો હતો. શુક્રવારે ૧૯મા માળના ૧૯૦૨ નંબરના ફ્લૅટમાંથી આગના ધુમાડા જોતાં તે તરત જ ૧૯મા માળના ફ્લૅટમાં રહેતા પરિવારના સભ્યોને અને ઇમારતના અન્ય પરિવારોને બચાવવા માટે ૧૯મા માળે પહોંચ્યો હતો.

આ બાબતમાં સ્થાનિક રહેવાસીઓ અને એક ફાયર-ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અરુણ તિવારીએ ૧૯મા માળના ફલૅટધારકોને આગથી સાવચેત કરી દીધા હતા જેને પરિણામે ૧૯૦૨ ફ્લૅટમાં હાજર કાપડના વેપારીની દીકરી અને અન્ય સભ્યો તરત જ ફલૅટની બહાર આવીને તેમનો જાન બચાવવા નીચે ઊતરી ગયાં હતાં. તેમની સાથે અન્ય ફ્લૅટના મેમ્બરો પણ નીચે ઊતરી ગયા હતા, પરંતુ આગ વિકરાળ બની જતાં ધુમાડાને લીધે અરુણ તિવારી જે લિફ્ટથી બધા જ સભ્યો નીચે ઊતરી રહ્યા હતા એ તરફ જવાને બદલે ગાર્ડન તરફ જતો રહ્યો હતો. ધુમાડાને કારણે તે એક ફ્લૅટની બાલ્કનીમાં પહોંચી ગયો હતો. ત્યાર પછી ગભરાટમાં અરુણ તિવારી બાલ્કનીની રૅલિંગ પકડી લટકી ગયો હતો. અમે લોકોએ નીચેથી તેને પાછો જતો રહેવા માટે ખૂબ જ બૂમાબૂમ કરી હતી, પરંતુ આગ વિકરાળ બની રહી હતી અને અરુણ તિવારીને ગભરાટના માર્યા બચવા માટે કોઈ જ રસ્તો સૂઝ્યો નહોતો જેથી તેની થોડી જ મિનિટોમાં પકડ છૂટી ગઈ હતી અને અરુણ ૧૯મા માળથી નીચે પટકાતાં જ તેનું મૃત્યુ થયું હતું.’

અમે જ્યારે અરુણ તિવારીને જીવનમરણ વચ્ચે લટકેલો જોયો ત્યારથી અમારા જીવ તાળવે ચોંટી ગયા હતા, એમ જણાવતાં અવિઘ્ન પાર્કના રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમે એને કોઈ રસ્તો મળે અને એ પાછો બાલ્કનીમાં જતો રહે એના માટે બૂમાબૂમ કરતા હતા, પરંતુ અમે તેને બચાવવામાં નિષ્ફળ ગયા હતા. અમે જેવો અરુણ તિવારી નીચે પટકાયો એવા તરત જ તેને નજદીકની કેઈએમ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે અરુણનો જીવ એ પહેલાં જ જતો રહ્યો હતો.’

જે રીતે આગ બુઝાવતા ફાયર-બ્રિગેડને સમય લાગ્યો એ દૃશ્ય જોયા પછી સાંજ સુધી તો અમારા બધાના જીવ તાળવે હતા, એમ જણાવતાં રહેવાસીઓએ કહ્યું હતું કે સાંજના આગ બુઝાયા પછી અમને અમારા ફલૅટમાં જવાની પરવાનગી મળી ત્યાર પછી અમારા બિલ્ડિંગના બધા જ રહેવાસીઓ પોતપોતાનાં દુઃખ ભૂલી ગયાં હતાં. અમારી નજર સામે જીવનમરણ સામે લડી રહેલો અરુણ જ હતો. અરુણ પરણેલો નહોતો. તે તેની માતા અને ભાઈ સાથે રહેતો હતો. અમે પળભરમાં નિર્ણય લઈને અમારા સભ્યોના વૉટ્સઍપ પર અરુણના પરિવારને સહાય કરવા માટે ફન્ડ જમા કરવાની અપીલ કરી હતી.’

અમારી અપીલને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો, એમ જણાવતાં હજી અવિઘ્ન પાર્કમાં રહેવા પણ ગયા નથી એવા એક સભ્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હજી હવે રહેવા જવાના છીએ, પણ મારા જેવા અનેક સભ્યોએ અરુણ તિવારીનાં માતા-ભાઈના સહાયફન્ડમાં માતબર રકમ નોંધાવી હતી.’

રહેવાસીઓના જબરદસ્ત પ્રતિસાદને લીધે અમે ગઈ કાલે સાંજના ૭.૩૦ વાગ્યા સુધીમાં વીસ લાખ રૂપિયા જમા કરી લીધા હતા, એમ જણાવતાં પાર્કના સભ્યોએ કહ્યું હતું કે ‘આગ બુઝાયા પછી અમે બધા જ પરિવારો નૉર્મલ છીએ, પણ અરુણ તિવારીના મોતને કારણે અમારો સિક્યૉરિટી સ્ટાફ ખૂબ જ અપસેટ છે. તેમની સાથે અમે પણ અમારી નજર સામે થયેલા અરુણના મોતને ભૂલી શકતા નથી. અરુણ તિવારીના પરિવાર માટે  સહાયફન્ડનો અમારો ટાર્ગેટ ૨૫ લાખ રૂપિયાનો છે, જે આજ રાત સુધીમાં જમા થઈ જશે.’

અમે શુક્રવારની આગ માટે કોઈને દોષી ગણતા નથી, એમ જણાવતાં રહેવાસીઓએ કહ્યું હતું કે અમે આને એક કમનસીબ ઘટના તરીકે જોઈએ છીએ.

mumbai mumbai news