હવે તો જાગે પબ્લિક

11 April, 2026 09:29 AM IST  |  Mumbai | Mehul Jethva

ઘાટકોપરમાં બે ગુજરાતીઓને સાઇબર છેતરપિંડીનો ઝટકો: એક પાસેથી MGLના બિલના ૭ રૂપિયા બાકી હોવાના બહાને ૪૦.૮૬ લાખ રૂપિયા પડાવી લેવાયા, બીજાએ શૅરમાર્કેટ ફ્રૉડમાં ૧.૦૪ કરોડ ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઘાટકોપર-વેસ્ટની ગાર્ડન લેનમાં રહેતા એક ગુજરાતી વેપારી સાથે સાઇબર ઠગાઈ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એમાં મહાનગર ગૅસ લિમિટેડ (MGL)ના બિલના બાકી રહેલા માત્ર ૭ રૂપિયા ભરવા માટે સાઇબર ગઠિયાઓએ ઍન્ડ્રૉઇડ પૅકેજ કિટ (APK) લિન્ક મોકલીને વેપારીનાં ૩ બૅન્ક-ખાતાંમાંથી કુલ ૪૦,૮૬,૦૫૧ રૂપિયા ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વેપારીએ ગઈ કાલે ઈસ્ટર્ન સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ વેપારીને વૉટ્સઍપ પર MGL GAS CA UNBLOCK FILE નામની APK ફાઇલ મોકલવામાં આવી હતી, જે ઓપન કર્યા બાદ આરોપીઓએ વૉટ્સઍપ વિડિયો કૉલ કરીને ડેબિટ કાર્ડ વિશે માહિતી માગી હતી. વિડિયો કૉલ દરમ્યાન સામેની વ્યક્તિનો ચહેરો દેખાતો ન હોવા છતાં વિશ્વાસમાં લેવામાં આવેલા વેપારીએ કાર્ડની વિગતો આપી દીધી હતી, જેના આધારે આરોપીઓએ વિવિધ બૅન્કનાં ડેબિટ કાર્ડની માહિતી મેળવી ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરીને ઠગાઈ કરી હતી.

શું હતો ઘટનાક્રમ?

ઘાટકોપરમાં રહેતા વેપારીને ૪ એપ્રિલે બપોરે મોબાઇલ પર ગૅસનું બિલ બાકી હોવાથી રાતે ૧૦ વાગ્યે ગૅસનું કનેક્શન બંધ થઈ જશે એવો SMS મળ્યો હતો. વધુ માહિતી જાણવા મેસેજમાં મનીષ રાઠોડનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.

મેસેજ મળ્યા બાદ તાત્કાલિક વેપારીએ આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ત્યારે સામેની વ્યક્તિએ MGLનો અધિકારી હોવાનો દાવો કરીને ગૅસના બિલના માત્ર ૭ રૂપિયા બાકી હોવાનું કહીને એ તાત્કાલિક ભરવા કહ્યું હતું.

વેપારી બિલ ભરવા તૈયાર થતાં સાઇબર ગઠિયા દ્વારા તેમને વૉટ્સઍપ પર MGL GAS CA UNBLOCK FILE નામની APK ફાઇલ મોકલવામાં આવી હતી. ફાઇલ ઓપન કર્યા બાદ આરોપીએ વૉટ્સઍપ પર વિડિયો કૉલ કરીને વેપારી પાસે ડેબિટ કાર્ડ અંગે માહિતી માગી હતી.

વિડિયો કૉલ દરમ્યાન સામેવાળાનો ચહેરો દેખાતો ન હોવાથી શંકા હોવા છતાં વેપારીએ પોતાનાં ૩ બૅન્કનાં ડેબિટ કાર્ડની માહિતી આપી દીધી હતી જેના આધારે આરોપીઓએ ચારથી ૭ એપ્રિલ દરમ્યાન વેપારીનાં ૩ બૅન્ક-ખાતાંમાંથી કુલ ૪૦,૮૬,૦૫૧ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

દરમ્યાન વેપારી ૮ એપ્રિલે સવારે પોતાની બૅન્કમાંથી પૈસા ટ્રાન્સફર કરવા ગયા ત્યારે એ થયા નહોતા. ત્યાર બાદ તમામ બૅન્કનાં સ્ટેટમેન્ટ કાઢતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. અંતે વેપારીએ સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી.

વેપારીના ફોનનો સતત ૩ દિવસ સુધી ઍક્સેસ મેળવી તેના બૅન્ક-ટ્રાન્ઝૅક્શન પર નજર રાખીને સાઇબર ગઠિયાઓએ પૈસા ટ્રાન્સફર કરી લીધા હોવાની પ્રાથમિક માહિતી તપાસમાં સામે આવી છે.

પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતી APK ફાઇલ, લિન્ક અથવા કૉલથી સાવચેત રહેવાની તેમ જ કોઈ પણ બૅન્કિંગ માહિતી શૅર ન કરવાની અપીલ કરી છે.

ઘાટકોપરના ગુજરાતીએ શૅરમાર્કેટ ફ્રૉડમાં ૧.૦૪ કરોડ રૂપિયા ગુમાવ્યા

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરમાં રહેતા અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા ૩૮ વર્ષના ગુજરાતીએ શૅરમાર્કેટમાં ટૂંક સમયમાં પૈસા બમણા કરવાની લાલચમાં ફ્રૉડમાં ૧.૦૪ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ ઈસ્ટર્ન સાઇબર સેલમાં ગઈ કાલે નોંધાઈ હતી. ફરિયાદીને એક વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યો હતો જેમાં ટૂંક સમયમાં ૪૦થી ૫૦ ટકાનો નફો વિવિધ શૅરમાં થતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એ જોઈને ફરિયાદીએ પણ ફેબ્રુઆરી, માર્ચ અને ૮ એપ્રિલ સુધીમાં વિવિધ શૅરમાં રોકાણ કર્યું હતું. તાજેતરમાં પોતાની મૂડી અને પ્રૉફિટની રકમ કાઢવા જતાં સાઇબર છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. 

ghatkopar cyber crime Crime News mumbai crime news mumbai police mumbai mumbai news mehul jethva