આવી ગૅસ-ટ્રબલમાં તમે પણ ક્યાંક ન ફસાઈ જતા

05 April, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૅસ-કનેક્શન બંધ થવાનો ડર દેખાડીને સાઇબર ઠગોએ ઘાટકોપરનાં નિવૃત્ત મહિલાના ૯,૯૨,૦૦૦ રૂપિયા પડાવી લીધા

મહિલાને વૉટ્સઍપ પર મળેલો મેસેજ.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ગૅસપુરવઠા વિશે લોકોમાં વધતી ચિંતા વચ્ચે સાઇબર ગઠિયાઓ લોકોમાં ભય ફેલાવીને છેતરપિંડી કરી રહ્યા છે. ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરમાં રહેતાં ૭૦ વર્ષનાં નિવૃત્ત બૅન્ક-કર્મચારી મહિલા સાથે વૉટ્સઍપ પર ગૅસ-બિલ અપડેટ કરવાની આડમાં સાઇબર ઠગોએ ૯,૯૨,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મામલે પંતનગર પોલીસે શુક્રવારે સાંજે ફરિયાદ નોંધીને પાંચ ટ્રાન્ઝૅક્શન દ્વારા ઊપડેલી રકમ વિશે વધુ તપાસ શરૂ કરી છે. પીડિત મહિલા પેન્શનથી જીવનનિર્વાહ ચલાવતાં હોવાથી એકસાથે આટલી રકમ ગુમાવતાં આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે.

ગારોડિયાનગરમાં રહેતાં અને બૅન્કમાંથી નિવૃત્ત થયેલાં ૭૦ વર્ષનાં મહિલાને બીજી એપ્રિલે વૉટ્સઍપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં ગૅસ-બિલ અપડેટ ન હોવાથી રાતે ૧૦ વાગ્યે ગૅસ-કનેક્શન બંધ થઈ જશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે બિલ અપડેટ કરવા માટે મેસેજમાં આપેલા મોબાઇલ-નંબર પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. 

મહિલા એકલાં રહેતાં હોવાથી ગૅસ બંધ થઈ જતાં મોટી મુસીબત થશે એવું જાણી તેમણે તાત્કાલિક આપેલા નંબર પર ફોન કર્યો ત્યારે શ્રીકાંત મિશ્રાના નામે વાત કરતી એક વ્યક્તિએ પોતાની ઓળખ મહાનગર ગૅસ લિમિટેડ (MGL)ના કર્મચારી તરીકે આપી હતી. મહિલાને વિશ્વાસમાં લઈ તેણે મહિલાને ગૅસ-બિલ અપડેટ કરવા માટે ‘મહાનગર ગૅસ બિલ અપડેટ APK’ નામની ફાઇલ વૉટ્સઍપ પર મોકલી હતી.

મહિલાએ પોતાના મોબાઇલમાં APK ફાઇલ ડાઉનલોડ કરી ત્યાર બાદ સાંજે લગભગ ૪ વાગ્યે મહિલાના બૅન્ક-ખાતામાંથી રકમ કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સાઇબર ઠગોએ મોબાઇલનો ઍક્સેસ મેળવી મહિલાના બૅન્ક-ખાતામાંથી પાંચ ટ્રાન્ઝૅક્શનમાં કુલ ૯,૯૨,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

ઘટના ધ્યાનમાં આવતાં મહિલાએ તાત્કાલિક બૅન્ક-ખાતું ફ્રીઝ કરાવ્યું તેમ જ ક્રેડિટ કાર્ડ બ્લૉક કરાવ્યું હતું. ત્યાર બાદ મહિલાએ સાઇબર હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
પંતનગર પોલીસે શુક્રવારે ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

mumbai news mumbai ghatkopar lpg cylinder lpg crisis cyber crime Crime News mumbai crime news mumbai police