20 January, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાંગરે પાટીલ
સાઇબર ગુનેગારોએ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓના નામે નકલી દસ્તાવેજ દેખાડી, ધરપકડનો ડર બતાવી ખારઘરના સેક્ટર-૧૨માં રહેતા ૮૦ વર્ષના એક નિવૃત્ત પ્રોફેસર પાસેથી ૫,૪૦,૮૧,૨૪૮ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે નવી મુંબઈ સાઇબર પોલીસે ગઈ કાલે ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ૨૧ નવેમ્બરથી ૧૧ જાન્યુઆરી સુધીમાં વિશ્વાસ નાંગરે પાટીલ સહિત વિવિધ સિનિયર અધિકારીઓના નામે વિડિયો-કૉલ કરીને નિવૃત્ત પ્રોફેસરને ધમકાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ રિઝર્વ બૅન્કના વિશેષ સુરક્ષિત ખાતામાં પૈસા જમા કરાવવાનું કહીને પૈસા પડાવી લેવામાં આવ્યા હતો એવો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
ખોટી ઓળખ અને ડર ઃ પ્રોફેસરને ૧૮ નવેમ્બરે એક ફોન આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ ‘સાઇબર ડેટા પ્રોટેક્શન ઑફ ઇન્ડિયા’ના મોહનકુમાર શર્મા તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડ પર નકલી સિમ કાર્ડ લેવામાં આવ્યું છે અને એનો ઉપયોગ છેતરપિંડી માટે થયો છે.
નકલી અધિકારીઓ અને વિડિયો કૉલ ઃ ત્યાર બાદ નાશિક પોલીસના નામે અલગ-અલગ લોકોએ ફોન કરીને પોતાની ઓળખ પોલીસ-ઇન્સ્પેક્ટર સંદીપ રાવ અને તપાસ-અધિકારી પ્રદીપ જાયસવાલ તરીકે આપી હતી. એટલું જ નહીં, સાઇબર માફિયાઓએ જાણીતા પોલીસ-અધિકારી વિશ્વાસ નાંગરે પાટીલના નામે વિડિયો-કૉલ કરીને પ્રોફેસરને વિશ્વાસમાં લીધા હતા.
ગંભીર ગુનાના ખોટા આરોપઃ આરોપીઓએ વૃદ્ધને ડરાવ્યા કે પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (PFI)ના સભ્ય ઓ. એમ. અબ્દુલ સલામે તેમના નામે કૅનેરા બૅન્કમાં ખાતું ખોલાવીને મની-લૉન્ડરિંગ કર્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટનું વૉરન્ટ અને EDના નકલી પત્રો પણ પ્રોફેસરને વૉટ્સઍપ પર મોકલ્યા હતા.
પૈસા ટ્રાન્સફર કરાવવાની યુક્તિઃ સાઇબર ગઠિયાઓએ પ્રોફેસરને જણાવ્યું કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમણે તેમનાં તમામ રોકાણ અને બચત ‘રિઝર્વ બૅન્કના વિશેષ સુરક્ષિત ખાતા’માં જમા કરાવવાં પડશે. તપાસ પૂરી થયા પછી પૈસા પાછા મળશે એવું આશ્વાસન આપીને વૃદ્ધ પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા.
મની ટ્રેલ ઃ ૨૧ નવેમ્બરથી ૧૧ જાન્યુઆરી દરમ્યાન પ્રોફેસરે તેમના SBI, અભ્યુદય બૅન્ક અને બૅન્ક ઑફ મહારાષ્ટ્રના ખાતામાંથી અલગ-અલગ વ્યવહાર કરીને કુલ ૫,૪૦,૮૧,૨૪૮ રૂપિયા સાઇબર ગઠિયાએ કહેલાં વિવિધ ખાતાંઓમાં જમા કરાવ્યા હતા.
કેવી રીતે થયો પર્દાફાશ ઃ સતત દોઢ મહિના સુધી પૈસા મોકલ્યા બાદ પણ વધુ ને વધુ પૈસાની માગણી કરવામાં આવતાં પ્રોફેસરને શંકા ગઈ એટલે તેમણે એક સંબંધીને ઘટનાની જાણ કરી ત્યારે છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો હતો.
મુંબ્રા પોલીસ-સ્ટેશનની નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ટીમે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક કરીને મધ્ય પ્રદેશથી સંચાલિત એક મોટા ડ્રગ્સ નેટવર્કને તોડી પાડીને કુલ ૨૭,૨૧,૭૭,૭૫૦ રૂપિયાની કિંમતનું ૧૩ કિલો ૬૨૯ ગ્રામ મેફેડ્રોન (MD) જપ્ત કર્યું છે. થાણે પોલીસ કમિશનરેટમાં પોલીસ-સ્ટેશન સ્તરે થયેલી અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુંબરેના નેતૃત્વ હેઠળ મુંબ્રા પોલીસે જાન્યુઆરી ૨૦૨૪થી અત્યાર સુધીમાં ડ્રગ્સના સેવનના ૯૫૪ ડ્રગ્સ-વેચાણના કેસમાં કુલ ૪૮,૫૦,૦૦,૦૦૦ની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મેળવી છે. એ ઉપરાંત આ તમામ કેસમાં ૫૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુંબ્રા પોલીસની આ કામગીરીની થાણે પોલીસ કમિશનરેટમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. પોલીસ હવે આ રૅકેટમાં જોડાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.