29 April, 2025 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દાદરમાં મંદિરની બહાર બેસતા ગરીબોને કેરીનું દાન કરવું છે એમ કહીને શુક્રવારે કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર કેરીની દુકાન ધરાવતા ૨૭ વર્ષના મોહમ્મદ ઇસ્લામ પાસેથી બે લોકો ૪૫ ડઝન કેરી પડાવી ગયા હોવાની ફરિયાદ ગઈ કાલે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આ મામલે પોલીસે આરોપીની ઓળખ કરવા માટે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં આરોપીઓ જે કારમાં આવ્યા હતા એની માહિતી પોલીસના હાથે લાગી છે. આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સારામાં સારો માલ જોઈતો હોવાનું કહીને આરોપીઓએ ૯૫૦ રૂપિયે ડઝનવાળી કેરીઓ ખરીદી હતી એમ જણાવતાં કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ એક સિનિયર સિટિઝન સહિત બે લોકો મોહમ્મદની દુકાને આવ્યા હતા. કારમાંથી દુકાનમાં પ્રવેશ્યા ત્યારે તેમણે પૈસાવાળા હોય એવો ઢોંગ કર્યો હતો. બન્નેનાં કપડાં પણ અપ-ટુ-ડેટ હોવાથી દુકાનદારને તેમના પર શંકા ગઈ નહોતી. એ દરમ્યાન તેમણે કહ્યું હતું કે દાદરના મંદિરની બહાર બેસતા ગરીબોને કેરી દાન કરવી છે જેના માટે સારામાં સારી કેરી દેખાડો. આથી દુકાનદારે ૯૫૦ રૂપિયે ડઝનવાળી કેરી દેખાડી હતી. એ જોતાં આવેલા બન્ને લોકો તાત્કાલિક એ ખરીદવા તૈયાર થઈ ગયા હતા અને ૪૫ ડઝન કેરી પૅક કરવા કહ્યું હતું. સામે પૈસા માગતાં તેમણે દુકાનદારને ચેક આપ્યો હતો જે બીજા દિવસે બૅન્કમાં નાખતાં સાઇન-ડિફર હોવાથી બાઉન્સ થયો હતો. ત્યાર બાદ મોહમ્મદે આ બન્ને લોકોને ફોન કરતાં તેમનો નંબર બંધ આવ્યો હતો. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી.’