16 September, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાનપાડામાં ગઈ કાલે વેરવિખેર ઘટનાસ્થળ.
નવી મુંબઈના સાનપાડામાં સેક્ટર એકમાં આવેલા પ્રતીક્ષા બિલ્ડિંગમાં સાગર ફૅમિલી રેસ્ટોરાંમાં મંગળવારે સવારે ગૅસ-સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં દુકાનમાં કામ કરતા બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ દુકાનમાં રાખેલાં ૩ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરોમાંથી એકમાં ગૅસ લીક થવાને કારણે આ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે. બ્લાસ્ટમાં બે કર્મચારીઓ ૪૬ વર્ષના અર્જુન યાદવ અને ૨૬ વર્ષનો મનીષ યાદવ ૭૫થી ૯૦ ટકા જેટલા દાઝી જતાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જણાવાયું છે.
LPG સિલિન્ડરનો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દુકાનનાં શટર ઊડી ગયાં હતાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી નજીકની અન્ય ૬ દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત બાજુમાં આવેલી હૉસ્પિટલના બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. જોકે હૉસ્પિટલના કોઈ દરદીને ઈજા થઈ નથી.